દારૂ, પાન-ગૂટકાની શરતી મંજૂરીથી જાવેદ અખ્તર, રવિના ટંડન ભડક્યાં

મુંબઈઃ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેના લોકડાઉનને 17 મે સુધી લંબાવ્યું છે. જોકે આ વખતે સરકારે કેટલીક છૂટછાટો પણ આપી છે. ગૃહ મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં દારૂની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આને લીધે જાવેદ અખ્તર અને રવિના ટંડન જેવી બોલીવૂડ હસ્તીઓ ભડકી ગઈ છે. તેમણે સોશિયલ મિડિયામાં આની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને ઊભરો ઠાલવ્યો છે.

જાવેદ અખ્તરનું ટ્વીટ

જાવેદ અખ્તરે સોશિયલ મિડિયા પર લખ્યું છે કે લોકડાઉનમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય ઘણો બૂમરેંગ પુરવાર થશે. સર્વે મુજબ આ દિવસોમાં ઘરેલુ હિંસા ઘણી વધી ગઈ છે. દારૂ મહિલાઓ અને બાળકોને વર્તમાન સમયને વધુ ભયભીત બનાવશે.

રવિના ટંડનનું ટ્વીટ

જાવેદ અખ્તરની જેમ રવિના ટંડન પણ દારૂ ઉપરાંત પાન અને ગૂટકાની દુકાનો ખોલવાના નિર્ણયથી નારાજ છે. રવિના ટંડને સોશિયલ મિડિયા પર લખ્યું છે કે, ‘બહુ સારું, હવે પાન અને ગૂટકાની દુકાનો ખૂલશે. થૂંકવાનું ફરી શરૂ થશે, બહુ સરસ.’

આ વાતોનું ધ્યાન રાખવું પડશે

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દારૂની દુકાનોની સાથે પાનની દુકાનો ખોલવા દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. દારૂની દુકાન પર એક સમયે પાંચ લોકોથી વધુ ભેગા થવાની મંજૂરી નથી અપાઈ. આ ઉપરાંત બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર રાખવું પડશે.

જાહેર સ્થળો પર દારૂ પીવા અને પાન-ગૂટકા અને તંબાકુ વગેરે ખાવાની મંજૂરી નથી. દારૂ વગેરેનું વેચાણ એકલ (સ્ટેન્ડઅલોન – બજાર વિસ્તારથી દૂરના અંતરે હોય એવી) દુકાનો પર કરી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ન તો દારૂની દુકાન ખૂલશે, ન તો પાન-ગૂટકા અને તંબાકુ મળશે.