મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણી અને એમના થનાર પતિ આનંદ પિરામલ એમનાં લગ્ન બાદ મુંબઈમાં રૂ. 450 કરોડની કિંમતવાળા બંગલામાં રહેશે.
આ બંગલામાંથી અરબી સમુદ્રનાં દર્શન થાય છે.
પાંચ-માળવાળા આ બંગલાનું નામ ‘ગુલિતા’ છે.
આ બંગલો દક્ષિણ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલો છે અને 50 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે.
આનંદ પિરામલના પિતા અજય પિરામલ અને માતા સ્વાતિ પિરામલ તરફથી નવદંપતીને આ બંગલો ગિફ્ટમાં આપવામાં આવનાર છે.
બંગલાના બેઝમેન્ટમાં હરિયાળી લોન છે.
ઈશા અને આનંદનાં લગ્ન આવતા મહિને નિર્ધાયા છે.
ઈશા અંબાણી રિલાયન્સ જિઓના બોર્ડ સભ્ય છે. તેઓ 10 અબજ ડોલરની મૂડી ધરાવતા પિરામલ ઉદ્યોગગૃહના ચેરમેન અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે.
‘મુંબઈ મિરર’ના અહેવાલ મુજબ, આ બંગલાને મુંબઈ મહાનગરપાલિકા તરફથી બધી મંજૂરી મળી ગઈ છે. ગઈ 19 સપ્ટેમ્બરે એને ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. આનંદ પિરામલે 2012માં FMCG ક્ષેત્રની હિન્દુસ્તાન લીવર કંપની પાસેથી ‘ઓલ્ડ ગુલિતા’ બંગલો રૂ. 452.5 કરોડમાં ખરીદ્યો હતો. આ બંગલો ત્રણ દાયકા જૂનો છે. એ 1986માં બાંધવામાં આવ્યો હતો.
આ બંગલામાં ત્રણ બેઝમેન્ટ છે, એમાંનો બીજો અને ત્રીજો માળ પાર્કિંગ માટે અલાયદો રાખવામાં આવશે.
આ ઉપરાંત બંગલામાં ઓપન-એર સ્વિમિંગ પૂલ, ડબલ-હાઈટ મલ્ટી-પરપઝ રૂમ પણ છે. તદુપરાંત લાઉન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ્સ અને દરેક માળ પર નોકરોના ક્વાર્ટર્સ પણ છે.
જોકે, ઈશા અંબાણી હાલ જ્યાં રહે છે એ એમનાં માતાપિતાના નિવાસસ્થાન એન્ટિલીયા સામે ગુલિતા બંગલો કોઈ વિસાતમાં નથી. એન્ટિલીયા 27-માળવાળું નિવાસસ્થાન છે. આ પણ દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે.