મરાઠા સમાજની અનામત માગણી મહારાષ્ટ્ર સરકારે મંજૂર રાખી; 1 ડિસેમ્બરથી અમલ

મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આવતી 1 ડિસેમ્બરથી લાગુ થાય એ રીતે મરાઠા સમાજને અનામતનો લાભ આપવાનું રાજ્ય સરકારે મંજૂર રાખ્યું છે.

મરાઠા સમાજને 16 ટકા અનામતનો લાભ મળશે.

મરાઠા સમાજને આટલો ક્વોટા આપવાનું મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ટ ક્લાસીસ કમિશને સૂચન કર્યું હતું. પંચે તેનો અહેવાલ રાજ્યના મુખ્ય સચિવ ડી.કે. જૈનને આજે સુપરત કર્યો હતો. અધર બેકવર્ડ ક્લાસીસને મંજૂર કરાયેલા અનામતની ટકાવારીને ડિસ્ટર્બ કર્યા વિના મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવાની સમાજે કરેલી માગણી પર ઉક્ત પંચે ભલામણ કરી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે એક સારા સમાચાર છે કે અમને બેકવર્ડ કમિશન તરફથી આજે જ મરાઠા અનામત અંગેનો અહેવાલ મળ્યો છે. અમે નવેમ્બર મહિનામાં જ બધી કાયદેસર ઔપચારિક્તાઓ પૂરી કરીશં અને મરાઠા સમાજને ટૂંક સમયમાં જ અનામતનો લાભ મળતો થઈ જશે. હું દરેકને વિનંતી કરું છું કે અનામત મુદ્દે વિરોધ કરવાનું બંધ કરે અને 1 ડિસેમ્બરે ઉજવણી કરે. આમાં યશ લેવાનો કોઈ મુદ્દો ઊભો થતો નથી. દરેક જણે ભેગા થવાનું છે અને સમગ્ર સમાજ કઈ રીતે પ્રગતિ કરે એ આપણે જોવાનું છે. અમે ખાતરી આપીએ છીએ કે અન્ય વર્ગો માટેની હાલની અનામત પ્રથામાં કોઈ ફેરફાર નહીં કરાય. SC, ST, OBC માટે નક્કી કરાયેલી ટકાવારીને ટચ નહીં કરાય.

મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસીસ કમિશને એને સુપરત કરવામાં આવેલા બે લાખ જેટલા આવેદનપત્રોનો અભ્યાસ કર્યો હતો, 45,000 પરિવારોનો સર્વે કર્યો હતો અને ત્યારબાદ પોતાની ભલામણ કરતો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. પંચની આગેવાની ન્યાયમૂર્તિ (નિવૃત્ત) એન.જી. ગાયકવાડે લીધી હતી.