મુંબઈ: બોમ્બે સ્ટોક એકસચેંજના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સુંદરરમણ રામમૂર્તિના અવાજ અને વિડિયોની આધુનિક ટેક્નોલોજી મારફત નકલ કરીને તૈયાર કરાયેલા કેટલાક બનાવટી, અનધિકૃત અને છેતરપિંડીયુક્ત વિડિયો અને ઓડિયો સોશિયલ મિડિયા પર ફરી રહ્યા છે, જેમાં ચોક્કસ શેર્સ અને અન્ય સાધનોમાં મૂડીરોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. BSEએ રોકાણકારોના હિતમાં જણાવે છે કે BSEના MD અને CEO ફેસબુક અથવા અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ મારફત આવી કોઈ ભલામણ કરતા નથી.
આ અગાઉ નેશનલ સ્ટોકસ એકસચેંજ (NSE)ના મેનેજિંગ ડિરેકટરને નામે પણ ફરતા થયા હતા. ત્યારે NSE દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી હતી. આ મામલે સોશિયલ મિડીયાએ પોતાના તરફથી તે વિડિયોઝ ડિલિટ કર્યા નથી.
BSEની સ્પષ્ટતા
BSEએ મીડિયા રિલીઝ મારફત જણાવ્યું છે કે રોકાણકારોએ આવા બનાવટી વિડિયો અને ઓડિયોઝ પર વિશ્વાસ મૂકવો નહિ. BSE આવાં અજાણ્યાં તત્ત્વો દ્વારા કરાઈ રહેલી ગેરરજૂઆતને રોકવા માટે BSE બધાં શક્ય પગલાં લેશે. રોકાણકારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સાવધ રહે અને આવી ખોટી માહિતીને આધારે રોકાણ નિર્ણયો ન લે અને તેનો પ્રસાર ન કરે. રોકાણ કરતાં પૂર્વે રોકાણકારોએ માહિતીની સત્યતા ચકાસવી જોઈએ. BSE કોઈ પણ સત્તાવાર જાહેરાત માત્ર તેની વેબસાઈટ bseindia.com અને BSEનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ મારફત કરે છે.