મુંબઈ – જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી 370મી કલમને રદ કરી દેવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે લીધેલા નિર્ણયને દેશભરમાં વ્યાપક આવકાર મળ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સરકારમાં ભાજપ સાથે ભાગીદારી ધરાવતી શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થયા છે. એમણે પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું છે કે દેશને આજે પૂર્ણ સ્વતંત્રતા મળી છે.
દેશમાં હજી પણ લોખંડી નેતૃત્ત્વ યથાવત્ છે એનું આ ઉદાહરણ છે, એમ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં પેટભરીને વખાણ કર્યાં છે.
અહીં બોલાવેલી પત્રકાર પરિષદમાં ઠાકરેએ કહ્યું કે જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વિવાદાસ્પદ એવી 370મી કલમને રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું શિવસેના સ્વાગત કરે છે. એવી જ રીતે, તમામ વિરોધી પક્ષોના નેતાઓએ કશ્મીર અંગેના આ નિર્ણયને ટેકો આપવો જોઈએ એવું આવાહન પણ ઠાકરેએ કર્યું છે.
આજે જો બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો એમને ચોક્કસ આનંદ થયો હોત. બાળાસાહેબ ઠાકરે અને અટલબિહારી વાજપેયીનું સપનું આજે સાકાર થયું છે. આ માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને હું અભિનંદન આપું છું. આજે પણ દેશમાં લોખંડીપણું યથાવત્ છે એ મોદી સરકારે દુનિયાને બતાવી આપ્યું છે. આજે દેશને ખરા અર્થમાં આઝાદી મળી છે. દેશને દાયકાઓ સુધી જકડી રાખનાર બેડીઓને મોદી સરકારે આજે તોડી નાખી છે, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું.
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયની ખુશાલીમાં પત્રકાર પરિષદમાં તમામ પત્રકારોને મીઠાઈ ખવડાવી હતી.