ખાનગી ફ્લેટ, રહેણાંક કોલોનીમાં પ્રાણીઓની કતલ કરવા પર મુંબઈ હાઈકોર્ટે પ્રતિબંધ મૂકી દીધો

મુંબઈ – ખાનગી ફ્લેટ્સમાં અને હાઉસિંગ સોસાયટીઓમાં પશુઓની કતલ કરવા પર મુંબઈ હાઈકોર્ટે આજે પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ ઘરો કે હાઉસિંગ સોસાયટીઓમાં પશુઓની કતલ કરવા માટે 7000થી પણ વધુ લોકોને પરવાનગી આપી છે.

પરંતુ, હવે હાઈકોર્ટના આદેશને પગલે આ બધી પરવાનગીઓ ગેરમાન્ય થઈ ગઈ છે.

હવે બકરી ઈદના તહેવાર વખતે બકરાઓની કુરબાની માત્ર માન્યતાપ્રાપ્ત કતલખાનાઓમાં કે પરવાનાધારક માંસાહારી બજારોમાં જ કરી શકાશે.

ન્યાયમૂર્તિઓ એસ.સી. ધર્માધિકારી અને ગૌતમ પટેલની વિભાગીય બેન્ચે મહાનગરપાલિકા (બીએમસી)ની નીતિ વિરુદ્ધ જીવમૈત્રી ટ્રસ્ટે નોંધાવેલી નોટિસ પરની સુનાવણી પર ઉપર મુજબ ઓર્ડર આપ્યો હતો.

બકરી ઈદ જેવા તહેવારો દરમિયાન રહેણાંક સોસાયટીઓ નજીકના વિસ્તારોમાં પશુઓની કતલ કરવા માટે લોકોને કામચલાઉ લાઈસન્સ આપવાની બીએમસીએ નીતિ અખત્યાર કરી છે.

અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે બીએમસીની નીતિમાં ઘણી ક્ષતિઓ રહેલી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પ્રાણીઓની કતલ માત્ર કતલખાનાઓમાં જ કરવી જોઈએ.

કતલ કરાયા બાદ પશુઓનાં શરીરનાં અવશેષોના નિકાલ તથા લોકોની સલામતીની પણ અવગણના કરવામાં આવે છે.

હાઈકોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે જો બીએમસી જ જો ઘરોની અંદર પ્રાણીઓની કતલ કરવાની કતલ કરવાની પરવાનગી આપે તો એવા ઘરોની અંદર રહેતા બાળકો, મહિલાઓ, ઘરડા લોકોની સલામતીની કાળજી કોણ લેશે?