કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ, કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી બનાવવાનાં અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં આમપ્રજાને દેખાડવામાં આવ્યાં છે ત્યારે બજેટમાં ક્રાંતિકારી પગલાંની જાહેરાત થવાની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પણ કમનસીબે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કોઇ ક્રાંતિકારી પગલાં લેવાયાં નથી. ૧૬ મુદ્દાના એક્શન પ્લાનમાં બે-ત્રણ મુદ્દાઓ અને કૃષિ વાવેતર તથા એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટાને સચોટ કરવાની જાહેરાત કરાઇ; તે સિવાય કૃષિ ક્ષેત્રનો ઠોસ અને લાંબાગાળાનો વિકાસ થાય તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.
દેશનો આર્થિક વિકાસ હાલ તળિયા તરફ જઇ રહ્યો છે અને બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ એક માત્ર કૃષિ ક્ષેત્રના વિકાસ દ્વારા જ થઈ શકે છે. આથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સમસ્યાનું નિરાકરણ આ બજેટમાં આવવાની અપેક્ષા હતી.
સૌ પ્રથમ, દેશની ખાદ્યતેલોની આયાત સતત વધી રહી છે, કારણ કે દેશની ખાદ્યતેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૦થી ૨૨૫ લાખ ટનની છે. તેની સામે છેલ્લા બે દાયકાથી ખાદ્યતેલોનું ઉત્પાદન ૭૦થી ૭૫ લાખ ટનની આસપાસ સ્થિર થયું છે. દેશનો ખાદ્યતેલોનો વપરાશ દર વર્ષે બેથી ચાર ટકા વધી રહ્યો છે પણ ઉત્પાદન વધતું નથી. ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા મેળવવા માટે સરકારે ૨૦૧૮થી ખાદ્યતેલોની આયાત ડ્યુટી વધારવાનું શરૂ કર્યું છે. ૨૦૧૮ પહેલાં ખાદ્યતેલોની આયાત ડ્યુટી સાડા સાતથી સાડા બાર ટકા હતી, તે વધારીને ૪૫થી ૫૦ ટકા કરી હતી, જેમાં ટ્રેડ એગ્રીમેન્ટને કારણે તા. ૧ જાન્યુઆરીથી થોડો ઘટાડો થયો હતો, પણ અહીં બજેટમાં તે ફરી વધારી દેવામાં આવ્યો છે. માત્ર આયાત ડ્યુટી વધારવાથી ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા આવી શકે તેમ નથી, ત્યારે દેશનું તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની તાતી જરૂરિયાત છે.
વડાપ્રધાને બજેટ પૂર્વે ઓઇલ ડેવલપમેન્ટ ફંડ ઉભું કરવાની વાત કરી હતી, પણ ૧૯૯૧-૯૨માં પામ ડેવલપમેન્ટ ફંડની રચના થયા બાદ અત્યાર સુધીના દર બીજા બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા નાની-મોટી નાણાકીય ફાળવણી કરવામાં આવી રહી છે, પણ તેલીબિયાંનું ઉત્પાદન તસુભાર પણ વધતું નથી.
બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની દૃષ્ટિએ જીનેટિકલી મોડિફાઇડ રાયડાનું ઉત્પાદન વધારવાને મંજૂરી, પ્રાઇવેટ સેક્ટરને પામની ખેતી માટે પ્રોત્સાહન આપવાની અને તેલીબિયાંની ખેતી કરનારા ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત થવાની બજેટમાં અપેક્ષા હતી, પણ આવી કોઇ જાહેરાત થઇ નથી. ખાદ્યતેલોની આયાત પાછળ ગત નાણાકીય વર્ષમાં રૂા. ૭૫ હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ વપરાયું હતું, જે વર્તમાન સીઝનમાં વધીને રૂા. એક લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે.
દેશમાં સૌથી વધુ રોજગારી ટૅક્સટાઇલ સેક્ટર આપી રહ્યું છે, કોટન એસોસિયેશન ઑફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે ટૅક્સટાઇલ સેક્ટર દેશમાં ૧૨થી ૧૬ કરોડ લોકોને રોજગારી આપી રહ્યું છે ત્યારે રૂ, કોટન યાર્ન અને ટૅક્સટાઇલની નિકાસ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૪થી ૨૨ ટકા ઘટી હતી. કોટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા કપાસની ખરીદી કરીને ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપી રહી છે પણ કોટન અને ટૅક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણ કે એક્સપોર્ટ સતત ઘટી રહી છે. આવા સમયે બજેટમાં કોટન યાર્ન અને ટૅક્સટાઇલની એક્સપોર્ટ પર ડ્યુટી ડ્રૉ બૅક સ્કીમ દ્વારા પ્રોત્સાહન આપવાની અપેક્ષા હતી, પણ તેવી કોઇ જાહેરાત થઇ નથી.
ભારતની ટૅક્સટાઇલની નિકાસનો હિસ્સો ઝડપથી બાંગ્લાદેશ, વિયેટનામ અને પાકિસ્તાન તરફ જઇ રહ્યો છે ત્યારે કોટન અને ટૅક્સટાઇલ સેક્ટરનો વિકાસ કરીને દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવા કોઇ પગલાં બજેટમાં લેવાયાં હોત તો બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ થઇ શક્યું હોત પણ આવાં પગલાં લેવાયાં નથી.
આર્થિક સર્વેક્ષણમાં દેશના જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)માં એટલે કે આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રના વિકાસનો ફાળો ૨૦૧૪-૧૫માં ૧૮.૨ ટકા હતો તે ઘટીને ૨૦૧૮-૧૯માં ૧૬.૧ ટકા રહ્યો છે. આ આંકડા બતાવે છે કે દેશના ખેડૂતોને સરકારી સહાય દ્વારા મદદ મળી છે, પણ કૃષિ ક્ષેત્ર અધોગતિ તરફ જઇ રહ્યું છે. આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ફાર્મ મિકેનિઝમ માત્ર ૪૦ ટકા છે જેની સામે અમેરિકામાં ૯૫ ટકા, બ્રાઝિલમાં ૭૫ ટકા અને ચીનમાં ૫૯.૫ ટકા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં કોઇ ઠોસ કદમ લેવાવાની જરૂર હતી, જે લેવાયાં નથી. કૃષિ નિષ્ણાતોની અપેક્ષા હતી કે બજેટમાં કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન, કૉર્પોરેટ ફાર્મિંગમાં ટૅક્સ બેનિફિટ અને વેરહાઉસિંગ કંપનીઓને ટૅક્સ બેનિફિટ આપવાની જાહેરાત થશે. ઉપરાંત, કોમોડિટી વાયદા બજારને સુદૃઢ કરીને પણ ખેડૂતોને માર્કેટ દ્વારા વધુ નાણાં મળી શકે તેવી વ્યવસ્થા થઇ શકે તેમ નથી. કોમોડિટી વાયદા બજારનો વ્યાપ વધારીને તેને વધુ પારદર્શક બનાવવા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો અને બેન્કોને કોમોડિટી એક્સચેંજમાં ટ્રેડ કરવાની મંજૂરી મળવાની અપેક્ષા હતી. હાલ કોમોડિટી વાયદા બજારો એગ્રિકલ્ચર કોમોડિટીના ભાવ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કોમોડિટી વાયદા બજારમાં આવતાં ભાવ વધુ પારદર્શક અને માર્કેટની સાચી સ્થિતિનું પ્રતિબિંબ પાડનારા બને તો કૃષિ ક્ષેત્રનો વિકાસ ઝડપી બની શકે તેમ છે, પરંતુ બજેટમાં આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
દેશમાં જીરું, ધાણા, મસાલા અને અન્ય એગ્રિકલ્ચર પ્રોડક્ટોનું સરપ્લસ ઉત્પાદન થાય છે તેની એક્સપોર્ટ વધે તે માટે સરકાર દ્વારા એગ્રિકલ્ચર એક્સપોર્ટનો ટાર્ગેટ ૩૦ અબજ ડૉલરથી વધારીને ૧૦૦ અબજ ડૉલર કરાયો છે પણ એગ્રીકલ્ચર એક્સપોર્ટને પ્રોત્સાહન આપતી સ્કીમ તા. ૩૧મી માર્ચે બંધ થઇ રહી છે. આ સ્કીમ લંબાવવાની ઉપરાંત એક્સપોર્ટરોને લાભ આપતી નવી સ્કીમ લાવવાની જાહેરાત બજેટમાં થવાની ધારણા હતી, પણ એવું થયું નથી.
બજેટમાં કૃષિ વાવેતર અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા સચોટ મળે તે માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની એગ્રિકલ્ચર અને માર્કેટ રિફૉર્મની સ્કીમનો અમલ કરવા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઇ હતી. કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીને પરંપરાગત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારવાની સ્કીમ અને કિશાન રેલ, કૃષિ ઉડાન જેવી કેટલીક કાગળ પર સારી દેખાતી સ્કીમની જાહેરાત કરાઇ છે પણ તેનો અમલ ઢંગથી થશે તો જ તેનો લાભ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે થશે. બજેટમાં જાહેર થયેલી સ્કીમોથી ખેડૂતોની આવક બમણી થવાનું નથી અને ફાર્મ માર્કેટ લિબરાઇઝેશન જેવા અગાઉ દેખાડવામાં આવેલાં સપનાં પૂરાં થવાનાં નથી તે હકીકત છે.
આમ, એકંદરે દેશના કૃષિ ક્ષેત્રને ધબકતું કરીને આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે બજેટમાં અનેક ક્રાંતિકારી જાહેરાત થવાની અપેક્ષા હતી, પણ ધારણા પ્રમાણેની કોઇ જાહેરાત થઇ નથી. આથી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કઇ રીતે થશે, ફાર્મ માર્કેટ લિબરલાઇઝેશન થશે કે કેમ અને પાંચ અબજ ડૉલરનું અર્થતંત્ર ભારત બની શકશે કે કેમ તે અંગે શંકાઓ વધી હતી, જેના કારણે ભારતના આર્થિક વિકાસનું ભાવિ ડામાડોળ બન્યાનો અહેસાસ બજેટ બાદ થઇ રહ્યો છે.