કેન્દ્રીય બજેટ-2020 વિશે આર્થિક જગતના નિષ્ણાતો શું કહે છે…

બજેટ 2020થી વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે

વર્ષ 2020-21ના બજેટ અંગેની ટિપ્પણીમાં બીએસઈના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે જણાવ્યું કે નિયામક પાસેથી મંજૂરી મળે કે તરત જ ઈન્ડિયા આઈએનએક્સ રૂપી ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા સજ્જ છે. એ ઉપરાંત અમે ગિફ્ટ સિટીસ્થિત આઈએફએસસી ખાતે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપવા પણ આતુર છીએ.

નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ઈન્ડિયા આઈએનઅએક્સ બોન્ડ્સ પરના વિથહોલ્ડિંગ ટેક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકા કરવામાં આવ્યો હોઈ ઈશ્યુઅરોને ભારે ઉત્તેજન મળશે અને વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે.

 

 


ડો. નિરંજન હીરાનંદાની

‘બજેટ 2020 સાચી દિશાનું પણ આર્થિક ઉત્તેજન માટેના ઉદ્દીપકો વિનાનું’

એસોચેમના પ્રમુખ ડો. નિરંજન હીરાનંદાનીએ કેન્દ્રિય બજેટ અંગેની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે બજેટનો એકંદર આશય શુભ છે કે જેમાં બધાં મહત્ત્વનાં ક્ષેત્રોને સ્પર્શ આપવામાં આવ્યો છે અને વિકાસના માર્ગની રૂપરેખા ઘડવામાં આવી છે. જોકે પ્રત્યેક ક્ષેત્ર માટેના ખર્ચની જોગવાઈઓ કરાઈ છે તે બમણી કરી શકાઈ હોત એવું અમને લાગે છે. એમ લાગે છે કે નાણાપ્રધાને સમસ્યાના મૂળને પકડ્યું નથી.

હું કહીશ કે આ કૃષિલક્ષી બજેટ છે પણ જ્યારે ફુગાવાની ચિંતા નથી ત્યારે તેને સંબંધિત ખર્ચ વધારી શકાયો હોત. 2022 સુધીમાં કૃષિ આવક બમણી કરવાની નેમ એ સારું પગલું છે.

સોલર પંપને પગલે ખેડૂતોનો વીજખર્ચ 50 ટકા ઘટશે અને સરકાર બે વર્ષમાં ઈન્સ્ટોલેશનનો ખર્ચ રિકવર કરી શકશે.

જળ માટે કરાયેલી જોગવાઈ પર્યાપ્ત હોવાનું લાગતું નથી. શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો અને નવા એન્જિનિયરોને શહેરી સ્થાનિક બોડીઝમાં તાલીમાર્થીઓ તરીકે નીમવાનું પગલું સ્તુત્ય છે.

શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે પરંતુ તેમાં અપર્યાપ્ત વેગ છે. પ્રતિદિન 35 કિમીને બદલે ઓછામાં ઓછા 70 કિલોમીટર માર્ગ બાંધકામનો લક્ષ્યાંક રાખવો જોઈતો હતો. એ રીતે પાવર ક્ષેત્રમાં પણ થર્મ પાવર સ્ટેશન્સ પર વધુ ધ્યાન કેદ્રિત કરવાની જરૂર છે.

ડિવિડંડ ટેક્સની નાબૂદી એક સારું પગલું છે પરંતુ કોર્પોરેટ વેરામાં ઘટાડો અને પર્સનલ ટેક્સના માળખા હેઠળ ઉપલબ્ધ લાભો મર્યાદિત વર્ગને ઉપલબ્ધ થશે.


‘બજેટ શેરમાર્કેટની ધારણાથી વિપરીતઃ ડેરિવેટિવ્ઝમાં ધારણા પ્રમાણે વોલેટાલિટી’

જનક સલ્લા

ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ જનક સલ્લાના જણાવ્યા મુજબ, ટ્રેડરો માટેનું મહાપર્વ એટલે બજેટ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બજેટની 1 ફેબ્રુઆરીએ જાહેરાત થઈ અને પરિણામ શું આવ્યું તેના વિશે વાત કરીએ. કૅશ માર્કેટમાં ઇન્ડેક્સમાં જોરદાર ધબડકો થતાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 988 અને 300 પોઇન્ટ ઘટ્યા હતા.

બજેટને ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગની દૃષ્ટિએ જોઈએ તો, ડેરિવેટીવ્ઝ (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ – F&O) ટ્રેડરો માટે `બજેટ-ડે’ ધારણા પ્રમાણે સતત વોલેટાઈલ રહ્યો.

નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન અને સ્ક્રિપ ઓપ્શનમાં કિંમતમાં વધારો જોવા મળ્યો, જેણે ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં (ઓપ્શનને ફ્યુચરથી હેજ કરી ટ્રેડ કરવાની રીત) બજેટ સેશનની શરૂઆતમાં વધારો કર્યો.

નિફ્ટી ઇન્ડેક્સ ઇમ્પ્લાઈડ વોલેટિલિટી એટ-ધી-મની સ્ટ્રાઈક પર 25 ટકાથી ઉપર ટ્રેડ થતી જોવા મળી, જ્યારે ઈન્ડિયા વિક્સ (વોલેટિલિટી ઇન્ડેક્સ) 17.40થી ઉપર જોવા મળ્યો, જે દિવસના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યો હતો.

શનિવારના રોજ બજેટને લીધે શેરબજાર ચાલુ રહ્યું હતું. સેશનમાં બજેટ સ્પીચ પૂર્ણાહુતિ નજીક પહોંચી ત્યાર સુધીમાં માર્કેટમાં નેગેટિવ વાતાવરણ બની ચૂક્યું હતું. માર્કેટમાં મોટે પાયે કરેક્શન આવ્યું. ખાસ કરીને ઈન્શ્યોરન્સ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરમાં. આમ, 6 ફેબ્રુઆરીએ એક્સપાયર થનારી નિફ્ટી ઈન્ડેક્સ ફ્યુચર અને ઓપ્શન (F&O) સિરીઝમાં ઓપ્શન સ્ટ્રાઈક પર કિંમતમાં જે વધારો થયો હતો તેમાં શોર્ટ સેલિંગમાં વધારો થતો જોવા મળ્યો. 6 ફેબ્રુઆરી નિફ્ટી ઓપ્શનમાં 12200ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર 27.43 લાખથી વધુનું ઓપન ઈન્ટરેસ્ટ બજેટ સ્પીચ પહેલાં નોંધાયું હતું. ત્યારે ઈમ્પ્લાઈડ વોલેટિલિટી 25.60 ટકા પર ટ્રેડ થઈ રહી હતી, જ્યારે કે બજેટ સ્પીચ બાદ તુરંત જ ઈમ્પ્લાઈડ વોલેટિલિટી આ જ સ્ટ્રાઈક પર 20 ટકાથી નીચે ટ્રેડ થવા લાગી. આમ, એક ઓપ્શન લોટ પર સ્ટ્રાઈક કિંમતમાં 30 રૂપિયાથી વધુનું કરેક્શન બન્યું હતું, જે બજેટ બાદ અપેક્ષિત હતું.

6 ફેબ્રુઆરી એક્સપાયરીમાં એટ-ધી-મની 12000ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર બજેટ બાદ તુરંત જ 17.3 ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી જોવા મળી હતી, જે ઉપરમાં 24.35 ટકા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. 12000ની સ્ટ્રાઈક પર 31 લાખથી વધુનું ઓપન ઇન્ટરેસ્ટ નોંધાયું. સ્ટ્રાઈક કિંમત ઉપરમાં 72.25 રૂપિયા, તો નીચામાં 6 રૂપિયા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. કોલ ઓપ્શન શોર્ટ સેલિંગમાં ટ્રેડિંગ ફાયદાકારક સાબિત થયું હતું.

નિફ્ટી ઈન્ડેક્સ, 20 ટકાથી વધુની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી જે એટ-ધ-મની સ્ટ્રાઈક પર ટ્રેડ થઈ રહી હતી તેમાં ઇવેન્ટની સમાપ્તિએ 13 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો અને આવનારા ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.


ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે

સ્મિત ભાયાણી

બુલિયન એનાલિસ્ટ સ્મિત ભાયાણી જણાવે છે કે, નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ગાંધીનગર ખાતે ગિફટ સિટીમાં આવેલા ઇન્ટરનૅશનલ ફાઇનાન્સ સર્વિસ સેક્ટરમાં બુલિયન એક્સચેંજ અથવા ગોલ્ડ સ્પોટ એક્સચેંજ શરૂ કરવાની મંજૂરી અપાવાની વાત કરાઈ છે.

ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે, કારણ કે ગિફ્ટ સિટી ફ્રી ટ્રેડ ઝોનમાં છે અને અહીં એક જ રેગ્યુલેટર છે. ભારતમાં હજુ સ્પોટ બુલિયન એક્સચેંજને કોણ રેગ્યુલેટ કરશે તે નક્કી ન હોઇ અન્ય જગ્યાએ સ્પોટ ગોલ્ડ એક્સચેંજ શરૂ કરવું અશક્ય હતું.

આઇએફએસસી-ગિફ્ટમાં ફ્રી ટ્રેડ ઝોનની મંજૂરી છે તેમ જ ગિફ્ટમાં વોલ્ટ સર્વિસ પ્રોવાઇડર કંપની પણ ઑલરેડી કાર્યરત છે. આઇએફએસી-ગિફ્ટમાં અત્યારે પણ ૧૯ વીમા કંપનીઓ અને ૪૦ બૅન્કો કાર્યરત છે.

આઇએફએસસીમાં બે ફોરેન કંપનીઓને વોલ્ટ સર્વિસ કરવા લાઇસન્સ અપાયાં છે. આ તમામ સવલતોને કારણે ગિફ્ટ સિટીમાં મંજૂર થયેલા સ્પોટ બુલિયન એક્સચેંજને અનેક પ્રકારની સુવિધાઓ મળશે, ઇમ્પોર્ટ થયેલા સોનાના સ્ટોરેજ માટે અને કોઇ જ્વેલર કે રિફાઇનર ગિફ્ટ સિટી દ્વારા લોકલ માર્કેટ માટે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા ઇચ્છે તો વોલ્ટ કંપનીઓ આ સવલત પૂરી પાડી શકે છે જેને માટે જ્વેલર કે રિફાઇનરને વોલ્ટ કંપનીને ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે.

બજેટમાં ગિફ્ટ સિટીમાં રૂપી ફયુચર અને ઓપ્શન ટ્રેડીંગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, બોન્ડ ઇન્વેસ્ટરો માટે લોઅર વિથહોલ્ડિંગ ટૅક્સ અથવા ટીડીએસની માફીની મંજૂરી અપાઇ છે.

બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેંજે ગિફ્ટ સિટીમાં ગોલ્ડ સ્પોટ બુલિયન એક્સચેંજ શરૂ કરવા રસ દાખવ્યો છે. બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એકસચેંજના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેંજ-આઇએનએક્સ આઇએફએસસીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ શરૂ કરવા આતુર છે અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ પણ શરૂ કરવા તૈયાર છે. હવે આઇએફએસસી બુલિયન એક્સચેંજ અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન માટે માર્ગદર્શિકા બહાર પાડશે.

સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાની આશા ફળીભૂત થઇ શકી નથી. આર્થિક સર્વેક્ષણમાં સોના પરની ડ્યુટી વધારાનો બચાવ કરવામાં આવ્યો હતો.


કોથળામાં પાંચશેરી નહીં, ઢગલાબંધ એક શેરીવાળો કોથળોઃ આમઆદમીને મૂંઝવતું બજેટ

બીરેન વકીલ

બીરેન વકીલ (કોમોડિટી ક્ષેત્રના અગ્રણી પત્રકાર) કહે છે, કરદાતા માટે રાહતોની ભૂલભુલામણી, ખેતી ક્ષેત્રે સાધનોની તોતિંગ ફાળવણી, આંતરમાળખા ક્ષેત્રે જંગી ફાળવણી માટે લાંબા ગાળાનાં આયોજનો અને કૉર્પોરેટ સેક્ટરને મોટી રાહતરૂપે ડિવિડિન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સમાંથી મુક્તિ આપી એ ભારણ રોકાણકાર પર નાખ્યું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ યથાવત્ રાખ્યો. આમઆદમીના સંદર્ભમાં કરરાહતોથી કંઇ ખાસ હરખાવા જેવું નથી. નાણાપ્રધાને કોથળમાં પાંચશેરી તો નથી મારી પણ એકશેરીના પાંચ નંગવાળો કોથળો માર્યો છે. બહુ વાગે નહીં એનું ધ્યાન રાખ્યું છે. જો કે બજારને બજેટ જરાય ના ગમ્યું, સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો.

અર્થશાસ્ત્રીઓની નજરમાં બજેટ વરસમાં એક જ વાર આવતો મહત્ત્વનો નીતિવિષયક દસ્તાવેજ છે અને પ્રવર્તમાન તકો તથા પડકારોને ઝીલવાની સરકારની ક્ષમતા કે ઇચ્છાશક્તિ કેવી છે એનું પાઇલોટ રિડિંગ આપે છે. સમગ્રતયા રીતે જોઇએ તો, આર્થિક મામલે રાજકોષીય ખાધ વધવાની અપેક્ષા હતી જ, પણ સરકારે આ મામલે બોલ્ડ બનવાનું નક્કી કરીને ફિસ્કલ મૅનેજમેન્ટમાં સ્લિપેજની છૂટ લઇને ખાધ 3.3 ટકાને બદલે 3.8 ટકા, આવતા વરસ માટે ખાધ 3.5 ટકાનો અંદાજ મૂકયો. ’80-’90ના દાયકામાં આવતા વિસ્તરણકારી બજેટની ઝલક દેખાઇ.

સાથોસાથ ન્યુ ઇકોનોમીની ઝલક પણ મળી. રિઝર્વ બૅન્ક ઉપરનું નાણાકીય અવલંબન ટાળી શેરબજાર પાસેથી અને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં મેળવવા માટે એલઆઇસીનો આઇપીઓ લાવી નાણાં ઉભાં કરવાં, પસંદગીના કૉર્પોરેટ બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે રોકાણમર્યાદા 9 ટકાથી વધારીને 15 ટકા કરવી અને એ રીતે નાણાં ઉભાં કરવાં. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સનું ભારણ કંપની પરથી હટાવી વ્યક્તિગત કરદાતા પર નાખવાની કવાયત અને કિસાનોની આવક બમણી કરવા માટે ખેતી ક્ષેત્રે 15 લાખ કરોડની ફાળવણી અને નાબાર્ડ મારફતે ફાર્મ ક્રેડિટ સુલભ બનાવવી આ બે પગલાં એટલે બજેટમાં સમાજવાદી કલેવર, પણ આત્મા મૂડીવાદી એવી છાપ પાડે છે. ખેતીના ભંડોળથી ફાર્મ પ્રોડ્યુસ કંપનીઓને ફાયદો થશે. દેશમાં અંદાજે 5000 જેટલી એફપીઓ છે. એમાં ઘણી ખરી અસ્તિત્વ ટકાવવા ઝઝૂમે છે, એમને લાઇફલાઇન મળશે.

સરકારનો ઝોક આર્થિક સ્લોડાઉનને રોકવાનો અને એ માટે બજારમાં તોતિંગ માત્રામાં નાણાં ફેંકવાનો છે. એ અર્થમાં બજેટની ડિઝાઇન ગ્લોબલ છે. વિકસિત દેશોનો નાણાકીય હળવી નીતિનો પ્રયોગ તેજી લાવી શક્યો નથી, યુરોપ અને જાપાનમાં સાવ નિષ્ફળ ગયો છે એટલે હવે રાજકોષીય હળવી નીતિ અમલી બની છે. બૅન્કોને નાણાં અપાયાં પણ એમણે નાણાં ધીર્યાં નહીં એટલે સરકાર સિસ્ટમમાં નાણાં મૂકશે. વ્યક્તિગત વેરા માટે બે વિકલ્પોનું અજીબ માળખું રચાયું છે.

સોના-ચાંદી બજારો માટે રાબેતા મુજબ નિરાશા જ રહી. ઉંચી આયાતજકાત યથાવત્ રહી. ગોલ્ડ પોલિસી, મોનેટાઇઝેશન કોઇ પગલાં આવ્યાં નહી. ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાને મંજૂરી અપાઈ, પણ એ તો ઓફશોર બજાર – વિદેશીઓ માટે. એ મામલે શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જ કે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનનો બજાર હિસ્સો ભારતને મળે એવી હાલમાં કોઇ શક્યતા નથી. કોમોડિટી વાયદા બજારો માટે પણ કોઇ જાહેરાત નથી. કોમોડિટી ઇન્ડેક્સ ટ્રેડિંગમાં શોર્ટ સેલ પર 0.01 ટકા સીટીટીનો પ્રસ્તાવ છે. સંપૂર્ણ બજેટ હાથમાં આવી ગયા પછી બિટવીન ધ લાઇન્સ માટે ઘણી કવાયત કરવી પડશે.


નવા દરઃ કેટલા સુંદર?

સ્નેહલ મઝુમદાર

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારે બજેટ વિશે કહ્યું છે કે નાણાપ્રધાને વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત કુટુંબ (એચયુએફ) માટે આવક વેરાના નવા સ્લેબ અને ઘટાડેલા દર જાહેર કર્યા છે, પણ એ ઘટાડો કેટલે અંશે આકર્ષક કે લાભદાયી થશે એ હજી અસ્પષ્ટ છે.

કરદાતાની જો ધંધાની આવક હોય તો એને આ નવી જોગવાઈઓ લાગુ પડતી નથી. નવા ઘટાડેલા દરનો લાભ લેવો હોય તો લીવ ટ્રાવેલ કન્શેશન, હાઉસ રેન્ટ એલાવન્સ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટૅક્સ, કલમ 80સી હેઠળ પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, વગેરે, મેડિક્લેમના વીમાની રકમ, દાનની રકમ, વગેરે અનેકાનેક રાહતો/કપાતો બાદ મળી નહીં શકે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ નાબૂદ થવાથી ડિવિડન્ડની રકમ પણ કરદાતાની કુલ આવકમાં સંપૂર્ણપણે ઉમેરાશે અને એને કારણે પણ એની આવકનો સ્લેબ અને લાગુ પડતા દર વધી જશે. ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં લઈએ તો આ સૂચિત ઘટાડાનો લાભ વાસ્તવમાં કેટલા કરદાતાઓ માટે ખુશખબર છે એ જોવાનું છે. કરદાતા માટે આ જોગવાઈ વૈકલ્પિક છે અને પૂરી ગણતરી કરીને જ એણે વિકલ્પ નક્કી કરવો રહ્યો.

કેપિટલ ગેઈનની ગણતરી વેળા એગ્રીમેન્ટ વેલ્યુ કરતાં રજિસ્ટ્રેશન વેલ્યુ વધારે હોય તો રજિસ્ટ્રેશન વેલ્યુ ગણતરીમાં લેવી પડે છે. અત્યાર સુધી પાંચ ટકા સુધીનો તફાવત માન્ય હતો જે વધારીને દસ ટકા કરવામાં આવ્યો છે, જે આવકારદાયક છે.


‘પર્યટન-કૃષિ ક્ષેત્ર માટેનાં પગલાં રોજગારલક્ષી

ચંદ્રકાંત પારેખ

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર ચંદ્રકાંત પારેખ કહે છે, સરકારે પર્યટન અને કૃષિની નિકાસ વધારવા માટે નવાં-નક્કર પગલાં ભર્યાં છે, જેનાથી રોજગારનું સર્જન પણ થશે.

બૅન્ક ડિપોઝિટરો માટેનો ઇન્સ્યોરન્સ 1 લાખથી વધારીને 5 લાખ કરાયો તેનાથી સ્મૉલ ફાઇનાન્સ બૅન્કોને પ્રોત્સાહન મળશે. તેઓ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ કદના એકમોને વધુ પ્રમાણમાં ધિરાણ આપી શકશે.

કૉર્પોરેટ બોન્ડની મર્યાદા વધારીને 15 ટકા કરાઈ હોવાથી કંપનીઓનો ધિરાણ લેવાનો ખર્ચ ઘટશે.

એલઆઇસીના આઇપીઓની જોગવાઈ પણ આવકારદાયક છે. ઓછામાં ઓછા એક સરકારી પોર્ટનું પણ લિસ્ટિંગ કરાશે, જે ઘણી સારી બાત છે.

 

 

 


‘વ્યક્તિગત કરવેરાની નવી જોગવાઈ ખરેખર તો એક છેતરપિંડી છે’

વિનોદ નગદિયા

વિનોદ નગદિયા (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)નું કહેવું છે કે, નાણાપ્રધાને વ્યક્તિગત અને હિન્દુ અવિભક્ત કુટુંબો માટેના કરવેરાના નવા દર જાહેર કર્યા છે. આ એક ખૂબ મોટી રાહત છે, પરંતુ મારા મતે કરદાતાઓ સાથે આ ખૂબ મોટી છેતરપિંડી છે, કારણ કે નવા વિકલ્પ મુજબ કર ભરવાનું પસંદ કરનાર વ્યક્તિગત કરદાતા કે હિંદુ અવિભક્ત કુટુંબને વર્તમાન કરમાળખા હેઠળ મળતી લગભગ તમામ કપાતો જતી કરવી પડે એમ છે, દાખલા તરીકે વર્તમાન કરમાળખામાં આવકવેરા ધારાના પ્રકરણ VI હેઠળ ઘણા પ્રકારની કરરાહતો ભલે છે, જેવી કે વીમા પ્રીમિયમ, મેડિક્લેઈમ પ્રીમિયમ, ડોનેશન વિ. ના ખર્ચમાં મળતી રાહતો. આ ઉપરાંત નોકરિયાતોને લીવ ટ્રાવેલ કન્સેશન, HRA સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટેક્સ, મફત ભોજન, ફૂડ કૂપન્સ, વિ. ઘણું બધું બાદ મળે છે, જે બધું જ જતું કરવું પડે, જો નવો વિકલ્પ પસંદ કરે તો એટલે આ નવા કરના દરોનો વિકલ્પ નોકરિયાતો અને અન્ય વ્યક્તિઓ કે જે રેગ્યુલર રોકાણ કરે છે તેને માટે લાભદાયી નથી.

(2) પાવર જનરેશન કંપનીઓને કરના દરોમાં રાહત આપી છે, એ સારું પગલું છે.

(3) ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે, પણ રોકાણકારના હાથમાં ડિવિડંડ ટેક્સપાત્ર કરવામાં આવ્યું છે.

(4) ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની લિમિટ વધારીને પાંચ કરોડ કરવામાં આવી છે, પરંત તેમાં ઘણી શરતો અને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે, જેની વિગતે ચર્ચા અહીં થઈ ન શકે, પરંતુ ટુંકમાં આ સુધારો પણ કરદાતાના હિતમાં બિલ્કુલ નથી.

આ ઉપરાંત અન્ય નાના-નાના ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર થોડા જ કરદાતાઓને રાહત થશે.


કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરનારું બજેટ-2020

પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં આવ્યાં છે તે દર્શાવે છે કે સરકાર આ ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરવા માગે છે.
કૃષિ સંબંધિત મહત્ત્વનાં ક્ષેત્રો સરકારના એજન્ડા પ્રમાણે નિશ્ચિત કામગીરી કરશે. ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો માટે ‘કિસાન રેલ’ વિકસાવવાની પહેલ કોલ્ડ ચેઈન ઉદ્યોગની મૂળભૂત કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરશે. આ બાબત માત્ર દેશ માટે જ નહિ પરંતુ વિશ્વના બધા વિકાસશીલ દેશો માટે ક્રાંતિકારી બની રહેશે. કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે રૂ.1.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે દર્શાવે છે કે 16 મુદ્દાના એજન્ડા દ્વારા સરકાર મોટા પાયે સુધારા કરવા માગે છે.
એ સિવાય સરકારે મત્સ્ય ઉદ્યોગને સુનિયોજિત કરી સંપૂર્ણ વેલ્યુ ચેઈનની ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા વર્ષના બજેટમાં આ ક્ષેત્ર માટે ફિશરીઝ બોર્ડની રચના કરવામાં આવી હતી અને આ એ દિશામાં લેવાયેલું વધુ એક કદમ છે.

‘કંપનીઓ આ વર્ષે વધુ ડિવિડંડ જાહેર કરશે’

કે.આર. ચોક્સી સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટ વિશે કહ્યું છે કે સરકારે કંપનીઓ માટેનો ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ દૂર કરવાનું નક્કી કર્યું હોવાથી ઘણી કંપનીઓ વર્ષ 2019-20 માટે મોટા પ્રમાણમાં ડિવિડંડ જાહેર કરે એવી શક્યતા છે. તેનું કારણ એ છે કે કંપનીઓના પ્રમોટરો 10 લાખથી વધુ રકમની ડિવિડંડની આવક પર 10 ટકાના કરવેરાનો લાભ લઈ લેશે. આ બાબતને અનુલક્ષીને કહેવાનું કે જે કંપનીઓ અત્યાર સુધી ઉંચું ડિવિડંડ આપતી આવી છે તેના શેર રાખી મૂકવા, જેથી વર્તમાન નાણાકીય વર્ષ પહેલાં ડિવિડંડની સારી આવક થઈ જાય.

 

 

 


‘સરકારે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે’

યસ સિક્યૉરિટીઝના ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યા મુજબ આ વખતનું બજેટ ધારણા મુજબનું છે. સરકારે બજેટમાં કરેલી નાણાકીય જોગવાઈઓ વાજબી જણાય છે. ઉપરાંત, તેણે અનેક ડ્યુટીનાં માળખાંને સુધારી દીધાં છે. બજેટ બોન્ડ માર્કેટ માટે સકારાત્મક છે. એ સાથે જ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરી દેવાયો હોવાથી અને સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પર મળતી વ્યાજ/ડિવિડંડની આવકને કરમુક્ત કરી દેવાઈ હોવાથી વિદેશી રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર થશે. કૉર્પોરેટ બોન્ડમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટેની મર્યાદા વધારી દેવાઈ એ પણ સારું પગલું છે.

અહીં જણાવવું રહ્યું કે અનેક મોરચે પગલાં ભરવાની તક સરકારે ગુમાવી છે તથા વ્યક્તિગત કરવેરાનું માળખું વધુ ગૂંચવણભર્યું બનાવી દેવાયું છે.

સરકારે અનેક એક્ઝેમ્પશન્સ અને ડિડક્શન્સ દૂર કરી દઈને બચત કરવાની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડ્યું છે. જીવન વીમાના ક્ષેત્રને તેની પ્રતિકૂળ અસર થશે.

સરકારે જીએસટીનું કામકાજ સરળ બનાવવા માટે, અમુક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષવા માટે, જમીન અને શ્રમસંબંધી સુધારાઓ માટે તથા ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]