વ્યક્તિગત કરવેરામાં સરકારે ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ કરી 

• 15 લાખની આવકવાળાને 78,000 રૂપિયાની કરબચત થવાનું ઉદાહરણ આપ્યું સીતારામને

• 70 એક્ઝેમ્પ્શન્સ રદ કરવામાં આવ્યાં

તમે જો વિવિધ એક્ઝેમ્પ્શન્સ અને રાહતોને છોડવા તૈયાર હો તો તમને આવકવેરાના દરમાં રાહત મળે એવી ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ સરકારે કરી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ 100 કરતાં વધારે ટેક્સ એક્ઝેમ્પ્શન્સમાંથી આશરે 70 એક્ઝેમ્પ્શન્સ કાઢી નાખવામાં આવ્યા છે.

5 લાખથી 7.5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે વ્યક્તિગત કરવેરાનો દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે 7.5 લાખથી 10 લાખ સુધીની આવકવાળા માટેનો દર 20 ટકાથી ઘટાડીને 15 ટકા અને 10 લાખથી 12.5 લાખ સુધીની આવકવાળા માટે કરવેરાનો દર 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો છે. જેમની આવક લાગતી 15 લાખ રૂપિયા સુધીની હશે તેમણે અત્યાર સુધીના 30 ટકાના દરની સામે 25 ટકાના દરે કરવેરો ચુકવવાનો રહેશે. રૂપિયા 15 લાખથી વધુની આવક ધરાવનારાઓ માટે કરવેરાના દર 30 ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. જો કે, આ બધી રાહતના દરની સુવિધા મેળવવા માટે કરદાતાએ અલગ અલગ એક્ઝેમ્પ્શન્સ અને કરરાહતોનો લાભ છોડી દેવો પડશે.

આથી, દરેક કરદાતાને કેટલો લાભ થાય છે એ દરેકની નાણાકીય સ્થિતિ પર અને તેમના રોકાણ પર નિર્ભર રહે છે. આ બાબતે નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર જાતે કરવેરાના સ્વરૂપે રકમ લઈ લે તેને બદલે કરદાતાના હાથમાં વધુ રકમ રહેવા દે, જેથી કરદાતા પોતાની રકમનું રોકાણ ક્યાં કરવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાતે નક્કી કરી શકે એવો આ જોગવાઈ પાછળનો ઉદ્દેશ છે.

અહીં જણાવવું રહ્યું કે કંપનીઓ માટેનો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ રદ થયો છે, પણ એ ડિવિડન્ડ જ્યારે શેરધારકને મળે ત્યારે શેરધારકના હાથમાં એને કરપાત્ર બનાવવામાં આવ્યું છે. આમ, ખરેખર વ્યક્તિગત કરદાતાને કેટલો લાભ થયો છે તેના વિશે અસ્પષ્ટતા છે.

નાણાપ્રધાને જણાવ્યા મુજબ સરકારે કરવેરાના નવા દર દ્વારા વાર્ષિક 40,000 કરોડ રૂપિયાની કરવેરાની આવકનો ભોગ આપ્યો છે. અત્યાર સુધી વર્ષે 15 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ જો કરવેરાનાં એક્ઝેમ્પ્શન્સ અને રાહતોનો ભોગ આપશે તો વર્ષે તેમને 78,000 રૂપિયાના કરવેરાની બચત થશે.