મુંબઈઃ છેલ્લાં કેટલાક દિવસોથી બિગ બોસ ઓટીટી ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા ચિત્રા વાઘ વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યો છે. મુંબઈમાં ભાજપ મહિલા મોરચાનાં આગેવાન ચિત્રા વાઘે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઉર્ફી જાહેરમાં જે અશ્લીલતાનું પ્રદર્શન કરે છે એ બદલ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એને કારણે ઉર્ફી પણ શાંત બેઠી નથી. એણે સોશ્યલ મીડિયા મારફત ચિત્રા વાઘને વળતું ઘણું સંભળાવ્યું છે. હવે આ વિવાદમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ ઝુકાવ્યું છે.
અમૃતા અચ્છા ગાયિક પણ છે. એમનું નવું વીડિયો ગીત ‘મૂડ બના લિયા’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એમને જ્યારે ઉર્ફી જાવેદ બાબતમાં પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું, ‘ઉર્ફી જે કરે છે એમાં મને તો કંઈ જ ખોટું દેખાતું નથી. દરેકનાં વિચારો અલગ અલગ પ્રકારના હોય છે. ચિત્રા વાઘે એમનાં વિચાર રજૂ કર્યાં છે અને એ પ્રમાણે એમણે પગલું ભર્યું છે. ઉર્ફી એક કલાકાર છે. પરંતુ જો તમારે કામની બાબતે કોઈ પ્રકારનું કમિટમેન્ટ ન હોય તો તમારી સંસ્કૃતિનું જતન કરવું જોઈએ. વ્યાવસાયિક અને જાહેર જીવનને અલગ રાખવા જોઈએ. તે એક સ્ત્રી છે અને એ જે કંઈ કરે છે તે એનાં સ્વયંને માટે જ કરે છે. એમાં મને તો કંઈ જ ખોટું દેખાતું નથી.’