મુંબઈઃ થિયેટરમાં જઈને પ્રેક્ષકોની મારપીટ કરવાના કેસમાં પડોશના થાણે શહેરની પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને થાણે જિલ્લાના મુંબ્રા શહેરના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની આજે બપોરે ધરપકડ કરી છે. ગયા સોમવારે સાંજે થાણે શહેરના વિવિઆના મોલના મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’નો શો ચાલુ હતો ત્યારે આવ્હાડ અને એમના 100 જેટલા સમર્થકોએ ધાંધલ મચાવી હતી અને તે શો બંધ કરાવ્યો હતો. શો બંધ કરાવવા સામે વિરોધ કરનાર એક યુવકની આવ્હાડના સમર્થકોએ મારપીટ કરી હતી.
થાણેના વર્તક નગર પોલીસ સ્ટેશને તે જ ઘટના અંગે આવ્હાડ અને એમના 100 સમર્થકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને આજે આવ્હાડની ધરપકડ કરી છે. આવ્હાડ સામે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમો – 141, 143, 146, 149, 323, 504 તેમજ મુંબઈ પોલીસ એક્ટની કલમ 37/135 હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ‘હર હર મહાદેવ’ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ બાજીપ્રભુ દેશપાંડેના જીવન પર બનાવવામાં આવી છે. આવ્હાડનો આરોપ છે કે ફિલ્મમાં રાજકીય પ્રચાર માટે છત્રપતિ શિવાજી મહારાજના ઈતિહાસને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મને તથ્યોથી સાવ વિકૃત કરી દેવામાં આવી છે.