ઈ.સ.૨૦૨૪ માં સ્થપાયેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા હાલ ‘શતાબ્દી મહોત્સવ’ ઉજવી રહી છે. આમ તો સૌ જાણે જ છે કે, ‘માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે.’ પરંતુ આધુનિક યુગની દોડમાં લોકો અનુકરણને વધુ મહત્વ આપતા થઈ ગયા છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃભાષાના શિક્ષણ પર ભાર આપ્યો છે. બાળકને માતૃભાષામાં શિક્ષણ આપી ભવિષ્યનો વધુ સફળ નાગરિક બનાવી શકાય છે.
શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા અને મુંબઈ ગુજરાતી સંગઠનના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ફેબ્રુઆરી શનિવારના રોજ ‘આશા માતૃભાષાની, ગાથા સો વર્ષની’ આ થીમ પર સવારે 8:00 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના બાળમંદિર, પ્રાથમિક, માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો, માધ્યમિક વિભાગના આચાર્યા નંદા બહેન ઠક્કર પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબહેન રામેકર તેમજ મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતા અને તેમની યુવા ટીમ જોડાયેલી હતી.
આ શતાબ્દી યાત્રાની વિશાળ રેલીમાં સતત ગુજરાતીને ટકાવી રાખવા મથી રહેતા અથાગ મહેનત કરતા મેનેજિંગ ટ્રસ્ટી મીનાબહેન ખેતાણી, ટ્રસ્ટી બીજલબહેન દોશી, ટ્રસ્ટી અભય ખેતાણી, ટ્રસ્ટી ભાવેશ વોરાએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. કમિટીના સભ્ય ભૂપેન્દ્ર દોશી પણ યાત્રામાં સહભાગી થયા હતા. ક જ સોમૈયા કલા અને વાણિજ્ય કોલેજના ડૉ. પ્રીતિબેન દવે, તેમજ ગુજરાતી માધ્યમની શાળા , મુલુંડની નવભારત નૂતન વિદ્યાલય, ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, વી સી ગુરુકુળ શાળા, એસ કે સોમૈયા શાળા તેમજ રામજી આસર વિદ્યાલયના આચાર્યા બહેનો તેમજ શિક્ષિકા બહેનો પોતાની શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત હતાં. પી.એન. દોશી વિમેન્સ કોલેજના આચાર્યા આશાબહેન મેનન, એનસીસીના વોલિન્ટીયર્સ, ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ, વાલીઓ , માતૃભાષા પ્રેમીઓ સૌ કોઈ હાજર હતાં.
આ શોભાયાત્રા ઘાટકોપર ઈસ્ટ – વેસ્ટ રોડ, સાંઇબાબા મંદિર – સ્ટેશન રોડ, ઉપાશ્રય લેન, તિલક રોડ, ભાવેશ્વર લેન ઘાટકોપર પૂર્વના એમ.જી રોડ થઈ ફરી પાછી શાળામાં આવી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા આનંદ મેળામાં ફેરવાઈ ગઈ હતી.
આ યાત્રામાં માતૃભાષાનાં માધ્યમમાં નાનપણથી જ અભ્યાસક્રમમાં ઉંમર પ્રમાણે સંસ્કારોનું સિંચન થાય છે, અને એ જીવનમાં વણાય જાય છે, એ દર્શાવવા વિવિધ અક્ષરજ્ઞાન રથ, સંબંધ જ્ઞાન રથ, ભક્તિ રથ, જીવદયા રથ, અંધશ્રદ્ધા નિર્મૂલન રથ, પ્રકૃતિ રથ, શૂરવીર રથ, દેશપ્રેમ રથ, સંસ્કૃતિ રથ, મોજમસ્તી રથ હતાં. આ રથમાં બાળમંદિરની અને પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ સંસ્કાર, સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પરિધાન કરીને શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. એના અનુરૂપ સ્લોગન અને ચિત્રો લગાડીને રથને શણગારવામાં આવ્યો હતો. તે રથની પાછળ ચાલતી મોટી વિદ્યાર્થિનીઓ તે રથને અનુરૂપ સ્લોગન બોલતી હતી. આ બધાં રથ અને બધાં સ્લોગનો સમાજમાં માતૃભાષામાં ભણતર, ‘બેટી બચાવવા’ માટેની જાગૃતિ લાવી સમાજનું ઉત્થાન કરવા માટેના જ હતાં.
અક્ષરજ્ઞાન રથથી શરુ થયેલી આ યાત્રા મોજમસ્તી રથમાં વિરમી હતી. સ્વર અને વ્યંજનથી શરૂ થયેલું નાની બાળકીઓનું જીવન એ જ અક્ષરજ્ઞાન રથ અને ધો.૧૦ માં આવતા આવતા એ જ વિદ્યાર્થિનીઓ આજની સુસજ્જ ઇન્ટરનેશનલ શાળાને પણ ટક્કર મારે એવી માતૃભાષાવાળી શાળામાં ભણી અને શાળામાંથી વિદાય લે છે. તે દર્શાવતો રથ એટલે ‘મોજમસ્તી રથ’. જેમાં માતૃભાષાની સુસજ્જ શાળાના દર્શન રાહદારીઓ કરી શકતા હતા. જેમાં Google ક્લાસરૂમ, જીમ, સ્ટુડિયો રૂમ, ટોય લાઇબ્રેરી, સુસજ્જ પુસ્તકાલય વગેરે સુવિધાઓ શાળામાં છે.મ્યુઝિક ક્લાસ પણ છે, જેમાં વિદ્યાર્થિનીઓને ગિટાર, તબલા, કીબોર્ડ વગેરે તેમની રુચિ પ્રમાણેના વાંચિંત્રો શીખવવામાંતેમજ શાળામાં સ્પોકન ઇંગ્લિશ, સંસ્કૃત શ્લોક, વૈદિક મેથ્સ વગેરે શીખવવામાં આવે છે. આ સિવાય સ્પેશિયલ તાલીમ આપનાર સ્પોર્ટ્સના સર દ્વારા એરિયલ, જીમનેસ્ટિક, કેરમ, ચેસ, તાયકાંડો, સ્કેટિંગ, વોલીબોલ વગેરે પણ શીખવાય છે. આ બધાંના કટીંગ્સ મોજ મસ્તી રથ સાથે જોડ્યા હતા. આ શોભાયાત્રામાં જોડાયેલ શાળાના દરેક શિક્ષિકાબહેનોએ શોભામાં અભિવૃદ્ધિ કરે તેવો પોશાક એટલે કે, ગુજરાતીઓનું ગૌરવ કહી શકાય તેવી બાંધણી પરિધાન કરી હતી.
રસ્તે ચાલતા વિદ્યાર્થીઓ માટે વી.સી.ગુરુકુળ શાળા પાસે અર્હમ યુવા સેવા ગ્રુપના દાતાઓ તરફથી વિદ્યાર્થિનીઓને બિસ્કીટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વચ્ચે ગુજરાતીઓનું લોકપ્રિય નૃત્ય ગરબા પણ રમ્યાં હતાં. રામજી આસર વિદ્યાલય પાસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન લવ ઍન્ડ કૅર તરફથી વિદ્યાર્થિનીઓ માટે કેકનું અને ફ્રુટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખૂબ જ ઉત્સાહ સાથે 10:00 વાગે આ શોભાયાત્રા ફરી પાછી શાળાના પ્રાંગણમાં આવી તે સમયે મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા સભ્યોએ ઢોલના તાલ સાથે દરેક વિદ્યાર્થિનીઓને મન મૂકીને ગરબાનો આનંદ લેવડાવ્યો હતો. તેવા સમયે રથ સાથે ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો અને આચાર્યા બહેનોએ તે સમયને ચિરંજીવી બનાવવા તે ક્ષણને કેમેરામાં ઝીલી રહ્યાં હતાં.
આજ સમયે મહેમાન અને વિદ્યાર્થિનીઓ શાળાના ‘ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમ’માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય: ૪ અને ૧૩ નું રસપાન કરી રહ્યાં હતાં. જે શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ બોલી રહી હતી. ત્યારબાદ ઓડિટોરિયમમાં બેઠેલી સર્વ વિદ્યાર્થિનીઓ ‘એકાત્મતા સ્તોત્ર’ પણ બોલી હતી.
મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતા અને એમની યુવા ટીમના યુવાનોએ માતૃભાષાનો જય જય કાર કરતા સ્લોગનો બોલવડાવ્યા હતાં. શાળાના આચાર્યા નંદા બહેને અતિથિઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપવાની વાત કરી હતી. આ કાર્ય દરેકના ટીમવર્કથી જ સફળ થયું છે તેમ કહી આ સહિયારું કાર્ય હતું તેવી વાત કહી હતી. આ કાર્યમાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ ઘાટકોપરની દરેક શાળાને જોડી ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું.
શાળામાં કરાયેલા ‘આનંદ મેળા’ની પણ વાત જ કંઈક જુદી હતી. ગુજરાતી શાળા, ગુજરાતી પરિધાન અને ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ એ આજના આનંદ મેળાની વિશિષ્ટતા. ગુજરાતના સૌરાષ્ટ્રના ભૂંગળા બટેટા, ખીચું , કચ્છની દાબેલી, ખાખરા ચાટ, ચણા ચાટ, અને કચ્છી બિયર એટલે કે, છાશના સ્ટોલ હતા. આ સ્ટોલ શાળાની વિદ્યાર્થિનીઓના મમ્મીઓ દ્વારા જ આયોજિત કરવામાં આવ્યાં હતાં. ઈ.સ.૧૯૨૪થી ધર્મ શિક્ષણ દ્વારા શરૂ થયેલી આ નાનકડી શાળા જ્યારે વિશાળ વટવૃક્ષ બની જશે ત્યારે પાયાના પથ્થર એવા સ્વ. કોઈ ટ્રસ્ટીઓએ કલ્પના પણ નહીં કરી હોય કે, સો વર્ષે આ જ સંસ્થા ‘સ્ત્રીઓ દ્વારા,સ્ત્રીઓ સંચાલિત, સ્ત્રીઓ માટેની સંસ્થા સમાજની અગ્રણી હરોળમાં આવી જશે.
સભાગૃહમાં રામ નામના જયકાર અને દેશભક્તિના સૂત્રો સાથે જન ગણ મન .. ગાઈ સર્વે સુંદર અવિસ્મરણીય યાદો લઈ છૂટાં પડ્યાં.