મુંબઈઃ યોગ વિષયમાં વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરતી વિશ્વની પ્રથમ અને સૌથી જૂની સંસ્થા કૈવલ્યધામની સ્થાપનાનાં સો વર્ષની ઉજવણી કરવા માટે તાજેતરમાં સંસ્થાનો વિશેષ લોગો બહાર પડાયો છે. લોગોનું અનાવરણ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના હસ્તે મુંબઈમાં રાજભવન ખાતે કરવામાં આવ્યું હતું.
વર્ષ 1924માં સ્વામી કુવલયાનંદ દ્વારા સ્થપાયેલી આ સંસ્થાએ છેલ્લી સદીમાં યોગના ક્ષેત્રમાં સંશોધન, શિક્ષણ અને સુખાકારીની પહેલ કરી છે. મહારાષ્ટ્રના લોનાવાલામાં 180 એકરના કેમ્પસમાં અત્યાધુનિક સંશોધન સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમાં વિશ્વની પ્રથમ યોગ કૉલેજ, હેલ્થકેર સેન્ટર અને નાનાં બાળકો માટે સીબીએસઈ બોર્ડની સ્કુલ ચાલે છે.
કૈવલ્યધામના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા લોગોનું વિમોચન કરી રહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી
કૈવલ્યધામ યોગ પરંપરા અને વિજ્ઞાન વચ્ચે સમન્વય સાધે છે અને એનું સંશોધન પણ આ જ ક્ષેત્રે ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે એનાં 16 સ્થળોએ કાર્ય ચાલી રહ્યું છે.
સંસ્થાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કૈવલ્યધામે સ્વામી કુવલ્યાનંદના ‘સૌ માટે યોગ’ના વિઝનને આગળ વધારવાના હેતુથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
લોગોના વિમોચન પ્રસંગે સંસ્થાના સીઈઓ સુબોધ તિવારીએ કહ્યું હતું કે શતાબ્દી નિમિત્તે વિશ્વભરનાં 150 શહેરોમાં 12 મહિનામાં 650થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોથી વ્યક્તિગત રીતે ત્રણ લાખ લોકોને અને વર્ચ્યુઅલ રીતે ત્રીસ લાખથી વધુ લોકોને લાભ થવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓ, ડેઈલી વર્કર્સ, કેન્સર સર્વાઈવર, કોર્પોરેટ્સ, જેલવાસીઓ, આર્મ્ડ ફોર્સિસ (સુરક્ષા દળ), સંસદસભ્યો, જ્યુડિશ્યરી, સિનીઅર સિટીઝન્સ, મહિલાઓ, ડિપ્લોમેટ્સ અને સ્પિરિચ્યુઅલ લીડર્સ, વગેરેનો સમાવેશ થશે. આ અનોખી પહેલોમાંની એક “ભારત યોગ માલા” છે, જેમાં દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનાં સ્થળોને સાંકળવામાં આવે તો ભારતના નકશા પર હાર પહેરાવ્યો હોય એવો દેખાશે. એ ઉપરાંત ‘યોગ મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ પણ રાખવાની યોજના છે, જેમાં ઉક્ત સ્થળોએ પ્રવાસ થશે અને યોગના ઉત્સાહીઓને સાંકળવામાં આવશે.