મુંબઈઃ મુંબઈગરાં અને થાણેવાસીઓ માટે ખુશખબર છે. ભવિષ્યમાં એમનો બોરીવલીથી પડોશના થાણે સુધીનો પ્રવાસ એકદમ રાહતભર્યો બનવાનો છે. આ બંને શહેરને જોડતા બે બોગદાનું બાંધકામ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) સંસ્થા દ્વારા બોરીવલીથી થાણે વચ્ચે ટ્વિન-ટનલના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડ્યું છે અને આ પ્રોજેક્ટ પરનું કામકાજ ચોમાસા પહેલા શરૂ કરી દેવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ રૂ.13,200 કરોડના ખર્ચવાળો હશે અને તે પૂરો થતાં ચારેક વર્ષ લાગશે.
હાલ બોરીવલીથી થાણે પહોંચતા દોઢથી બે કલાકનો સમય લાગે છે, પણ આ ડબલ-બોગદાં બની જશે એ પછી મુંબઈવાસીઓ માત્ર 15 મિનિટમાં બોરીવલીથી થાણે પહોંચી શકશે. આ બોગદા બોરીવલી (પૂર્વ)માં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નજીકથી શરૂ કરાશે. તે જમીનથી લગભગ 23 મીટર નીચે હશે. બોરીવલી-થાણે વચ્ચેના માર્ગની લંબાઈ 24 કિ.મી.ની હશે જ્યારે બોગદાઓની લંબાઈ 11.8 કિ.મી.ની હશે. બંને બોગદામાં આવશ્યક ઠેકાણે સુરક્ષા કેમેરા, સ્મોક ડિટેક્ટર, વેન્ટિલેશન સાધનો તથા અગ્નિશામક સાધનો જેવી અત્યાધુનિક સુવિધાઓ મૂકવામાં આવશે. બંને બોગદામાં બંને તરફ ત્રણ-લેનવાળો રસ્તો પણ હશે.