મુંબઈ – મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ ગયું. 288-સીટની વિધાનસભા ધરાવતા મહારાષ્ટ્રમાં અંદાજે 55.35 ટકા મતદાન થયું છે તો 90-સીટની વિધાનસભાવાળા હરિયાણામાં 61.62 ટકા મતદાન થયું છે. બંને રાજ્યમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં સત્તામાં ભાજપ સાથે શિવસેના ભાગીદાર છે જ્યારે હરિયાણામાં ભાજપની એકલાની સરકાર છે.
આજે મતદાન પૂરું થયા બાદ વિવિધ ટીવી ચેનલોએ પોતપોતાના એક્ઝિટ પોલ્સના તારણ જાહેર કર્યા છે. તમામની આગાહી છે કે બંને રાજ્યમાં ભાજપ તેની સત્તા જાળવી રાખશે.
મહારાષ્ટ્રઃ
IANS-C-Voterના સર્વેક્ષણ મુજબ, ભાજપને 192 અને 216ની વચ્ચે બેઠકો મળશે.
2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના યુતિએ 185 સીટ જીતી હતી.
સોનિયા ગાંધીનાં નેતૃત્ત્વવાળી કોંગ્રેસ અને શરદ પવારના સુકાન હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 55-81 બેઠકો મળે એવી ધારણા છે. 2014ની ચૂંટણીમાં, કોંગ્રેસ-એનસીપી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં જોડાણે કુલ 84 સીટ જીતી હતી.
આજે થયેલી ચૂંટણીમાં, ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપનો વોટ શેર થોડોક ઘટી ગયો હોવાનો અંદાજ મળ્યો છે. આ વખતે એનડીએને 46.4 ટકા વોટ મળશે જ્યારે ગઈ વેળાની ચૂંટણીમાં એને 47.2 ટકા વોટ મળ્યા હતા.
કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગ્રુપને આ વખતે 36.9 ટકા વોટ મળી શકે છે, જે આંકડો 2014ની ચૂંટણીમાં 38.3 ટકા હતો.
હરિયાણાઃ
હરિયાણા રાજ્યમાં ભાજપનું શાસન છે. મનોહરલાલ ખટ્ટરની આગેવાની હેઠળ ભાજપની સરકાર છે. અને તે આ વખતની ચૂંટણી જીતીને તે જાળવી રાખશે એવી ધારણા છે. આ વખતની ચૂંટણીમાં એને ત્રણ-ચતુર્થાંસ ભાગની બેઠકો મળશે એવું એક્ઝિટ પોલ્સ કહે છે. કોંગ્રેસ પાર્ટી એનાથી ઘણી પાછળ રહેશે.
ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલ કહે છે કે ભાજપને 71 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 11.
જન કી બાતનું સર્વેક્ષણ કહે છે કે ભાજપને 57 મળશે અને કોંગ્રેસને 17 તથા અન્ય પક્ષોને 16 સીટ મળશે.
ન્યૂઝ X ચેનલનું તારણ કહે છે કે ભાજપને 77 બેઠક મળશ, કોંગ્રેસને 11 તથા અન્યોને બે બેઠક મળશે.
ATV9 ભારતવર્ષ ચેનલનો સર્વે કહે છે કે ભાજપને 47, કોંગ્રેસને 23 તથા અન્યોને 20 સીટ મળશે.
પોલ ઓફ પોલ્સના વરતારા મુજબ ભાજપને 63 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 16 તથા અન્યોને 11 બેઠક મળશે.