શું તમને ખબર છે સાંતાક્રૂઝમાં સલમાનના ઘરનું મહિનાનું ભાડું કેટલું છે?

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનનો ચાહક વર્ગ ઘણો મોટો છે. એ દરેક ફિલ્મમાં કામ કરવા માટે તગડી રકમ લેતો હોય છે એની ઘણાયને ખબર છે, પણ શું તમને ખબર છે, બાન્દ્રા-વેસ્ટમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘર ઉપરાંત સાંતાક્રૂઝ ઉપનગરમાં પણ સલમાન ખાનનું એક બીજું ઘર છે? એ ઘર તેણે ભાડેથી આપ્યું છે.

અખબારી અહેવાલ અનુસાર, સાંતાક્રૂઝમાં સલમાને ચાર-માળનું એક મકાન ખરીદ્યું છે. એણે 2012ની સાલમાં લગભગ 120 કરોડ રૂપિયામાં તે મકાન ખરીદ્યું હતું. એનો ઈરાદો આ મકાનનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવાનો છે. 2017માં, સલમાનના પિતા સલીમ ખાને ફ્યૂચર ગ્રુપની રીટેલ ચેન કંપની ‘ફૂડ હોલ’ને આ મકાન ભાડેથી આપ્યું હતું. એ વખતે આ મકાનનું માસિક ભાડું રૂ. 80 લાખ હતું. એ માટે કંપનીએ બે કરોડ 40 લાખ રૂપિયાની ડિપોઝીટ આપી હતી. પાંચ વર્ષ બાદ આ કરાર વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતું. બંને પક્ષે એવું નક્કી કર્યું હતું કે ભાડૂત ફૂડ હોલે પહેલા વર્ષમાં દર મહિને રૂ. 89.60 લાખ ચૂકવવા અને બીજા વર્ષે દર મહિને રૂ. 94.08 લાખ ચૂકવવા. પરંતુ, ફૂડ હોલ કંપની આર્થિક ભીંસમાં આવી ગઈ અને તેણે સમયસર ભાડું ન ચૂકવતાં સલમાને ગયા માર્ચ મહિનામાં તેની સાથેનો કરાર રદ કરી દીધો હતો. મામલો નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)માં ગયો હતો અને સરકારી એજન્સીએ સલમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે સલમાને આ મકાન લેન્ડક્રાફ્ટ રીટેલ નામની કંપનીને ભાડેથી આપ્યું છે જે ફૂડ સ્ક્વેરની માલિક છે. આ કંપની સલમાનને દર મહિને રૂ. 1 કરોડનું ભાડું ચૂકવવા તૈયાર થઈ છે. સલમાન બાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં એના પરિવાર સાથે રહે છે. ત્યાં સલમાન, એના પિતા સલીમ, માતા સલમા, સાવકી માતા હેલન, બે ભાઈ – સોહેલ અને અરબાઝ તથા એમના સંતાનો રહે છે.