વીકેંડ માણવા આ સ્થળે જશો નહીં, કારણ કે ત્યાં પ્રતિબંધ લાગુ છે

મુંબઈઃ હાલ ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે મુંબઈમાંથી ઘણા લોકો સપ્તાહાંત કે શનિવાર-રવિવારના દિવસોએ વરસાદી પિકનિક અથવા ટૂંકા પર્યટનનો આનંદ માણવા નજીકના નવા નવા સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. દર શનિ-રવિવારે લોનાવલા, ખંડાલા, ઈગતપુરી વગેરે જેવા સ્થળોએ પર્યટકોની ભારે ગિરદી હોય છે. પરંતુ, છેલ્લા અમુક દિવસોમાં પાણીના ધોધ અને દરિયાની ભરતીમાં દુર્ઘટનાઓ બની હતી અને એમાં કેટલાક લોકોના જાન ગયા હતા. નિયમોનું પાલન ન કરવાથી કે સ્ટંટ કરવાને કારણે મરણ થયા હતા. તેથી પ્રશાસને કડક બનવાનું નક્કી કર્યું છે. પર્યટકો માટે એવા સ્થળોએ પ્રતિબંધ મૂકી દીધો છે.

આવું એક સ્થળ છે – પુણે જિલ્લાના વેલ્હા તાલુકાનું કેળદ-ભોર્ડી ગામ. આ ગામમાં કુદરતી સૌંદર્ય ભરપૂર જોવા મળે છે. અહીંનો મઢે ઘાટ ધોધ જાણીતો છે. તે જોવા અને તેમાં નાહવા માટે ઘણી ગિરદી થતી હોય છે. અહીં આવતા પર્યટકોને દોરડાના સહારે ધોધમાં ઉતારવામાં આવે છે. પરંતુ આ વખતે પ્રશાસને આ ધોધના સ્થળે 60 દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે. મઢે ઘાટ પરિસર ચોમાસામાં જળતરબોળ રહેતું હોય છે. અહીંના કેટલાક ધોધ એવા છે જેના ઉપરના ભાગમાં ધસમસતા વહેતા પાણીમાંથી લોકોને નીચે ખીણમાં છોડવામાં આવે છે. લોકોને ઉપરથી 200-300 ફૂટ નીચે કેબલ કે દોરડા વડે છોડવામાં આવે છે. પરંતુ આ રીતે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે અને મૃત્યુ પણ નિપજતું હોય છે. પરિણામે આ ધોધના સ્થળોએ પ્રશાસને 60 દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.