મુંબઈઃ બે મહિના પૂર્વે જે દેશભરમાં કોરોના વાઈરસ મહાબીમારીના `હોટસ્પોટ`તરીકે બદનામ થઈ હતી, તે મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીએ કોવિડ-19નો જે હિંમતથી સામનો કર્યો છે એને કારણે દેશભરમાં એની ચર્ચા થવા લાગી છે. એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી હવે કોરોનાના પ્રકોપથી બહાર આવી ચૂકી છે. અહીં જિંદગી ફરી પાટે ચઢી રહી છે. જોકે મોટા ભાગના મજૂરો કોરોનાના ડરથી એમના વતન પાછા જતા રહ્યા છે. તે છતાં અહીં રોકાઈ ગયેલા કામદારોની મદદથી વેપાર-ધંધા ફરી શરૂ થવા લાગ્યા છે. એ વાત પણ ખરી છે કે ધારાવી વિસ્તારમાં કામ કરવાના વલણમાં અને વેપાર-વ્યવસાયમાં થોડુંક પરિવર્તન આવ્યું છે. ગઈ કાલ સુધી રેઇનકોટ બનાવનારા આજે PPE કિટ બનાવવા લાગ્યા છે તો નાની બેગ બનાવનારા લોકો માસ્ક અને સેનિટાઇઝર બનાવવાનાં કામમાં લાગી ગયા છે.
BMC વહીવટીતંત્ર, ડોક્ટરો અને પોલીસની મહેનત રંગ લાવી
ધારાવીમાં જ્યારે કોરોનાના કેસ શરૂ થયા હતા, ત્યારે દેશ આખાની નજર આ ઝૂંપડપટ્ટી પર હતી. આ વિસ્તારમાં 10થી 12 લાખની વસતિ હોવાની અને નાનાં-નાનાં ઘરોમાં આઠ-10 લોકોનો પરિવાર રહેતો હોવાને કારણે કોઈને પણ આશા નહોતી કે ધારાવીમાં સ્થિતિ આટલી જલદી સુધરી જશે, પણ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના વહીવટીતંત્ર, ડોક્ટરો અને પોલીસોની આકરી મહેનત રંગ લાવી છે. આજે ધારાવી કોરોનામુક્ત થવાને આરે છે. હવે અહીં નાનાં-નાનાં કારખાનાંઓ હાજર છે એ મજૂરોને લઈને ફરી ધમધમવા માંડ્યાં છે.
100થી 150 કોરોના દર્દીઓ દૈનિક ધોરણે આવતા
ધારાવીમાં એક સમય એવો હતો જ્યારે રોજ કોરોનાના 100થી 150 દર્દીઓ નોંધાતા હતા. મુંબઈમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓમાં ઘણા ખરા ધારાવીના હતાં. પરિણામે લોકો અહીંથી હિજરત કરવા માંડ્યા હતા અને નાના ઉદ્યોગો પર તાળાં લાગી ગયાં હતાં. ધારાવીના નામથી લોકો ડરી રહ્યા હતા, પણ એ પછી ડોક્ટરોએ ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ શરૂ કર્યું તો પોલીસ અને SRPFએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે દિવસ-રાત એક કર્યાં. ધારાવીમાં તહેનાત કરાયેલા ઘણા પોલીસ જવાનોને પણ કોરોના રોગ લાગુ થવા લાગ્યો હતો, પણ તે છતાં પોલીસોએ રહેવાસીઓની સાથે મળીને રોગચાળા વિરુદ્ધની લડાઈ જારી રાખી હતી. એટલે જ આજે ધારાવીમાં કારખાનાઓ ફરી શરૂ થઈ ગયાં છે. લોકો સીમિત સંસાધનોની સાથે કોરોના સામેના જંગમાં હવે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગઈ આઠમી જુલાઈએ ધારાવીમાં કોરોનાના માત્ર ત્રણ કેસ જ નોંધાયા હતા.
કોરોનાના ડરને કારણે મોટા ભાગના મજૂરો વતન ચાલી ગયા
ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર માઇક્રો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતો છે. અહીં ગલી-ગલીમાં લેધર, ગારમેન્ટ્સ, પ્લાસ્ટિક, તેલ, પાપડ અને ફરસાણ જેવા અનેક ઉદ્યોગો ચાલે છે. અહીં મોટા ભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના મજૂરો કામ કરે છે, પરંતુ કોરોનાના ડરને કારણે મોટા ભાગના મજૂરો પોતપોતાના વતન જતા રહ્યા છે. હવે સીમિત મજૂરોની સાથે ધારાવીમાં જનજીવન ફરી થાળે પડી રહ્યું છે. ધારાવીના રહેવાસીઓએ કોરોના પર લગભગ જીત હાંસલ કરી લીધી છે.