26 માર્ચથી એર ઈન્ડિયાની મુંબઈ-પુણે વિમાનસેવા શરૂ

મુંબઈઃ પુણે અને મુંબઈ શહેરો વચ્ચે નિયમિત પ્રવાસ કરતા લોકો માટે ખુશખબર છે. ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા આવતી 26 માર્ચથી મુંબઈ અને પુણે વચ્ચે વિમાન સેવા શરૂ કરવાની છે. છેલ્લા અનેક વર્ષોથી આ બંને શહેર વચ્ચે બંધ થયેલી વિમાન સેવા ફરી શરૂ થવાની જાહેરાત થતાં જ ટિકિટ બુક કરાવવામાં લોકોનો ધસારો થયો  છે. મુંબઈ-પુણે વચ્ચેનું હવાઈમાર્ગ અંતર માત્ર 124 કિલોમીટરનું છે અને તે દેશનો સૌથી ઓછા અંતરવાળો રૂટ છે.

હાલ મુંબઈ અને પુણે વચ્ચે ટ્રેન દ્વારા પ્રવાસમાં ચાર કલાકનો સમય લાગે છે, પણ વિમાનથી માત્ર એક કલાકમાં પહોંચી શકાશે. શનિવારને છોડીને અઠવાડિયાના તમામ દિવસોએ એર ઈન્ડિયાની ફ્લાઈટ ઓપરેટ કરાશે. મુંબઈથી પુણે માટેની પહેલી ફ્લાઈટ સવારે 9.45 વાગ્યે ઉપડશે અને પુણેથી મુંબઈ માટેની પહેલી ફ્લાઈટ સવારે 11.20 વાગ્યે ઉપડશે.

અગાઉ આ બંને શહેર વચ્ચે જેટ એરવેઝની ફ્લાઈટ હતી, પરંતુ જેટ એરવેઝ કટોકટીમાં મૂકાઈ જતાં તે વિમાન સેવા બંધ કરી દેવાઈ હતી. મુંબઈ-પુણે વચ્ચે વાહનોની અવરજવર માટે એક્સપ્રેસવે છે. ટ્રેન પણ ઘણી છે. પણ હવે વિમાન સેવા શરૂ થયા બાદ રોડ ટ્રાફિક અને રેલવે તંત્ર પરનો બોજો ઘણો ઘટી જશે.