વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓને ચીજવસ્તુઓ એમનાં ઘેર પહોંચાડોઃ ઉદ્ધવ ઠાકરેનો આદેશ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ લોકડાઉન છે ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે કે રાજ્યભરમાં વયોવૃદ્ધ, અપંગ તથા એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી આપવી.

ઠાકરેએ એમ પણ કહ્યું છે કે પ્રશાસને આ માટે એક કાર્યપદ્ધતિ ઘડી કાઢવી અને તે અનુસાર ઉપર મુજબની વ્યક્તિઓને સામાજિક સંસ્થાઓના સહકારથી ચીજવસ્તુઓ એમના ઘેર પહોંચતી કરવી.

વયોવૃદ્ધ, અપંગ તથા એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને લોકડાઉનની સ્થિતિમાં એમના ઘરની બહાર નીકળવું ન પડે એટલા માટે તેમજ એમને કોઈ પ્રકારની અગવડ ન પડે એટલા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સંબંધિત જરૂરિયાતમંદ વ્યક્તિઓ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધે એ પછી એમને આ સેવા એમના ઘેર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

આ માટે એક અલગ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે અને તે માટે એક સંપર્ક અધિકારી (નોડલ ઓફિસર)ની નિમણૂક પણ કરવામાં આવી છે.

પોલીસ તંત્રએ પણ આ માટે સ્વતંત્ર સંપર્ક અધિકારીની નિમણૂક કરી છે. અત્યાવશ્યક સેવા માટેની ચીજવસ્તુઓ વાહન દ્વારા પહોંચાડનાર વ્યક્તિ, સ્વયંસેવક અને સ્વૈચ્છિક સંસ્થા, દવાઓના વેપારીઓ, હોમ ડિલીવરી કરનારી વ્યક્તિઓને ખાસ પ્રવેશપત્ર પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવે છે.

સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા હેલ્પલાઈન પર પ્રાપ્ત થયા મુજબ વયોવૃદ્ધ, અપંગ વ્યક્તિઓને આવશ્યક ચીજવસ્તુઓની સહાયતા કરશે અને એવી વ્યક્તિઓની યાદી સંબંધિત નોડલ અધિકારીને સુપરત કરીને પોલીસ તંત્ર સાથે સમન્વય સાધશે.

આ સહાય માટે જરૂરિયાતમંદ વ્યક્તિએ મહાનગરપાલિકાની હેલ્પલાઈન પર સંપર્ક સાધવાનો રહેશે.

મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારો માટે આ નંબર પર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે – 1800 221 292. આ નંબર પર સેવા સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ ઝુંબેશ-સેવાની દેખરેખ રાજ્ય સરકારના સચિવ પ્રાજક્તા લવંગારે સંભાળી રહ્યાં છે.