મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળાના કેસ વધી જતાં આરોગ્ય સત્તાવાળાઓ ચિંતિત થયા છે. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા છેલ્લા માત્ર દસ દિવસોમાં રહેણાંક મકાનોના 800 માળને સીલ કરી દેવામાં આવ્યા છે.
બીએમસી તરફથી આપવામાં આવેલા આંકડા અનુસાર, મુંબઈમાં ગઈ 1-માર્ચે સીલ કરાયેલા માળની સંખ્યા 2,016 હતી, જ્યારે 10 માર્ચે આ આંકડો વધીને 2,815 થયો હતો. કે-વેસ્ટ વોર્ડ (અંધેરી વેસ્ટ, જુહૂ, વર્સોવા)માં 517 માળને સીલ કરવામાં આવ્યા છે. શહેરના તમામ 24 મ્યુનિસિપલ વોર્ડમાં આ આંકડો સૌથી ઉંચો છે. પી-નોર્થ વોર્ડ (મલાડ)માં 317 માળ, કે-ઈસ્ટ (અંધેરી ઈસ્ટ)માં 299 માળને સીલ કરવામાં આવ્યા છે. 228 મકાનો એવા છે જેમને સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યા છે જ્યારે 27 ઝૂંપડપટ્ટીઓને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવી છે.
