મુંબઈઃ કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) ગુજરાતી ભાષા ભવન અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે પાંચ નવેમ્બરે ‘સ્મૃતિવંદના: ચુનીલાલ મડિયા’નું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું હતું. રવિવારની સાંજ ખરા અર્થમાં મડિયામય બની હતી. ભાવકો પોતાના હૃદયમાં સર્જકની કૃતિ અને સ્મૃતિ લઈને છૂટા પડ્યા હતા. ગુજરાતી સાહિત્ય સર્જકના જન્મનાં ૧૦૧ વર્ષની ઉજવણી ભવ્ય અને યાદગાર બની હતી.
આ કાર્યક્રમના આરંભમાં કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહે અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાઘ્યક્ષ સ્નેહલ મુઝુમદારે આવકાર ઉદબોધન કર્યું હતું. મડિયા સાથેનાં અંગત સ્મરણોને ડો. દિનકર જોષીએ વાગોળ્યાં હતાં, જેમાં મડિયાનો ઉદાર સ્વભાવ, વિશિષ્ટ લાક્ષણિકતાઓ, સાહિત્ય સૂઝ, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર, વગેરે સાથેના સંબંધો અને પ્રજાની નાડ પારખીને મડિયા સાહિત્યસર્જન અને પત્રકારત્વને કઈ રીતે સમતોલિત કરતા અનુભવો દિનકરભાઈએ સૌ સાથે વહેંચ્યા ત્યારે ભાવકો એમાં તલ્લીન બની ગયા હતા. મુંબઈ એ ચુનીલાલ મડિયાની કાર્યક્ષેત્રની ભૂમિ અને અહીં તેમના લેખન, આયોજન, હળવા-મળવાના અનેક પ્રસંગો બન્યા હોય તે સ્વાભાવિક જ છે.
આ કાર્યક્રમમાં ત્યાર બાદ મડિયાની નવલકથા વિશે કલ્પના દવે અને વાર્તા વિશે હિતેશ પંડ્યાએ વક્તવ્ય આપ્યાં હતાં.
આ ઉપરાંત રજૂ કરાયેલી ભજવણીને કારણે ભાવકો મડિયાના સર્જનની સાવ નજીક આવ્યા હતા, જાનબાઈ એકોક્તિને ડૉ.મંજરી મુઝુમદારે ભજવી હતી, તેમણે મડિયાની ખૂબ જાણીતી વાર્તા ‘અંત:સ્ત્રોતા’ પરથી એકોક્તિ લખીને ભજવી હતી, સેજલ પોન્દાએ ‘અંબા ગોરાણીનો પરભુડો’ વાર્તાનું ભાવવાહી પઠન કર્યું હતું.
આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે કહ્યું કે આજે ચુનીલાલ મડિયા આજ હોલમાં હોય તેમ અનુભવાય છે. આ કાર્યક્રમનું સુપેરે સંચાલન ડો. સેજલ શાહે કયુઁ હતું અને કાર્યક્રમમાં કીર્તિ શાહ, કવિત પંડ્યા, જયાના શર્માનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમની સંકલ્પના અને આયોજનમાં સક્રિય સભ્ય હિતેન આનંદપરા અને સંજય પંડ્યાનો સહકાર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાંપડ્યો હતો.