મુંબઈઃ બીએસઈ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણની અત્યારસુધીની જીવન યાત્રા વિશે લખાયેલા પુસ્તકનું આજે અહીં બીએસઈના કન્વેન્શન હોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ છે – ‘સ્થિતપ્રજ્ઞ’. આ પ્રસંગે ‘પદ્મભૂષણ’ રાજશ્રી બિરલાએ આશીર્વચન આપ્યા હતા. તે ઉપરાંત અનેક અગ્રણીઓએ ચૌહાણને શુભેચ્છા સંદેશ આપ્યા હતા.
આ પુસ્તકમાં આશિષ ચૌહાણના બાળપણથી લઈને અત્યાર સુધીની વાતોને, તેમના વિચારો, સંસ્કાર, સ્વભાવ, સમભાવ, સંઘર્ષ, ધગશ, મહેનત, કાબેલિયત અને ભવ્ય સફળતાને બહુ જ સરળ શબ્દોમાં આવરી લેવામાં આવ્યા છે. મૂડીબજારના વિકાસમાં ચૌહાણ દ્વારા અપાતા રહેલા નોંધપાત્ર યોગદાનની વાતોને પણ આવરી લેવામાં આવી છે. તેમજ સફળતા વિશે તેમના સિધ્ધાંતો, કામ કરવાની ઢબ, ફોકસ બનાવી લક્ષ્યને હાંસલ કરવાની કુશળતા જેવી બાબતોને પણ એવી રીતે આવરી લેવામાં આવી છે કે જેથી આ પુસ્તક વાચકો માટે પ્રેરણારૂપ બનશે. પુસ્તકના લેખક મયુર શાહે આ પુસ્તકને હાલ ત્રણ ભાષામાં પ્રગટ કર્યું છે – અંગ્રેજી, ગુજરાતી અને હિંદી.