અમદાવાદ બાદ મુંબઈમાં થયું ‘તારક મહેતાઃ સ્મૃતિ વિશેષ’ પુસ્તકનું લોકાર્પણ…

મુંબઈ – ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્યકાર-નાટ્યકાર તથા ‘ચિત્રલેખા’ની સીમાચિહ્ન રૂપ કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને આપવામાં આવેલી આદરાંજલિના સંકલનનું પુસ્તક ‘તારક મહેતા: સ્મૃતિ વિશેષ’નું લોકાર્પણ ગઈ કાલે (પાંચ જાન્યુઆરીએ) મુંબઈમાં થયું. ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટક, અદાકાર સંસદસભ્ય પરેશ રાવલ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીસિરિયલના નિર્માતા આસિતકુમાર મોદી, તારકભાઈનાં પુત્રી-જમાઈ ઈશાની-ચંદ્ર શાહ, પુસ્તકપ્રકાશક રોનક-કુણાલ શાહ આદિનાં હસ્તે થયેલા લોકાર્પણ પહેલાં પુસ્તકની પ્રથમ પ્રત ઈશાની શાહે ‘ચિત્રલેખા’નાં મધુરીબહેન કોટકને અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે પુસ્તકલોકાર્પણનો એક કાર્યક્રમ અમદાવાદમાં ગઈ 29 ડિસેમ્બરે યોજાઈ ગયો.

મુંબઈના ‘ઈસ્કોન ઑડિટરિયમ’, જુહુમાં યોજાયેલા કાર્યક્રમનો શુભારંભ કર્યો સ્વરકાર ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદી-શ્રદ્ધા અગ્રવાલે. આ સૂરત્રિપુટીએ તારકભાઈને ગમતાં ગીતોની રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. ત્યાર બાદ જય વસાવડા-પરેશ રાવલ-મૌલિક કોટક-આસિત કુમાર મોદી-ચંદ્ર શાહે તારકભાઈ સાથેનાં સંસ્મરણ વાગોળ્યાં. એ પછી વારો હતો લોકાર્પણનો…

આ અવસરે તારકભાઈલિખિત એકાંકી ‘દો દૂની પાંચ’નું મંચન પણ કરવામાં આવ્યું, જેનું દિગ્દર્શન સંભાળ્યું નાટ્યકાર મનોજ શાહે. કલાકાર હતાઃ જય ઉપાધ્યાય-નિમેષ શિંદે-યશ વરણ-કિરણ પંડ્યા-નમન શેઠ-ભક્તિ ગણાત્રા-હુસૈની દવાવાલા. નાટક બાદ, સુપ્રસિદ્ધ કલાકાર દિલીપ જોશી-ઘનશ્યામ નાયકે તારકભાઈ સાથેની પોતાની સ્મૃતિ શ્રોતાઓ સાથે વહેંચી.

ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમના અંતમાં ઈશાની શાહે પુસ્તકપ્રકાશનમાં તથા સમગ્ર કાર્યક્રમમાં સહકાર આપનારી વિવિધ વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે તારકભાઈનાં પત્ની ઈન્દુબહેનની હાજરી શ્રોતાઓને વિશેષ પ્રોત્સાહિત કરી ગઈ. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું પ્રતિભાશાળી અદાકાર જીમિત ત્રિવેદીએ.

અહેવાલઃ કેતન મિસ્ત્રી

તસવીરો : દીપક ધુરી

કાર્યક્રમનો શુભારંભ સ્વરકાર ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી દ્વારા




લોકાર્પણ પહેલાં પુસ્તકની પ્રથમ પ્રત ‘ચિત્રલેખા’નાં મધુરીબહેન કોટકને અર્પણ કરતાં ઈશાની શાહ


કાર્યક્રમના સંચાલક જીમિત ત્રિવેદી સાથે ઈશાની શાહ


જય વસાવડા


તારકભાઈ સાથેનાં સંસ્મરણ વાગોળતા 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક


પરેશ રાવલ


આસિત કુમાર મોદી


ચંદ્ર શાહ


દિલીપ જોશી


જીમિત ત્રિવેદી


ઘનશ્યામ નાયક


એકાંકીનું દ્રશ્ય


મધુરીબહેન કોટક સાથે સ્વરૂપ સંપટ