નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની કરાયેલી હત્યાના મુદ્દે કથિત સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપમાં અને મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર પ્રવાસી મજૂરો હજારોની સંખ્યામાં જમા થયા તે મામલે મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ભારત ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી 2 એફઆઈઆરના અમલ પર મુંબઈ હાઈકોર્ટે આજે સ્ટે ઓર્ડર મૂકી દીધો છે. મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે, ગોસ્વામી વિરુદ્ધ કાયદેસર રીતે કોઈ કેસ બનતો નથી. કોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે કે, ગોસ્વામી વિરુદ્ધ કોઈપણ કઠોર કાર્યવાહી થવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગોસ્વામી વિરુદ્ધ આઈપીસીની કલમ 153,153 એ, 153 બી, 295 એ, 298,500,504,505(2), 506,120 બી અને 117 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
ગોસ્વામી વતી તેમના વકીલ હરીશ સાળવેએ કહ્યું કે, ગોસ્વામી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર રાજનીતિથી પ્રેરિત છે અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના પરિણામ સ્વરુપે નોંધવામાં આવી છે. એડિટર્સ ગિલ્ડે પણ ગોસ્વામી વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી પર મૌન સેવ્યું હતું.
હવે મુંબઈ હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ ગોસ્વામી પર ધરપકડની કાર્યવાહી નહી કરી શકે.