મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની ગત્ ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીને સત્તા ગુમાવવાનું નીચાજોણું થયું છે અને એને પગલે પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. મુખ્ય અસંતુષ્ટ નેતા એવા એકનાથ ખડસે જાહેરમાં પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બનવા છતાં ભાજપને સત્તાથી હાથ ધોવા પડ્યા છે, કારણ કે એની પાસે બહુમતી નહોતી. એની સામે શિવસેના (56), રાષ્ટ્રવાદી કોંગ્રેસ (54) અને કોંગ્રેસ (44) પાર્ટીઓએ સાથે મળીને ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ નામે ગઠબંધન બનાવીને એમની સંયુક્ત સરકાર બનાવી છે. શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા છે.
ખડસેને ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીએ ઓફર આપી હોવાનો અહેવાલ હતો અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પણ એમને ઓફર કરી હોવાનો અહેવાલ છે.
કોંગ્રેસ વતી મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે ખડસેને કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરી હતી.
હવે એવી જ ઓફર એમને એનસીપી તરફથી આપવામાં આવી છે.
‘ઝી 24 તાસ’ ચેનલ સાથેની મુલાકાતમાં એનસીપીના નેતા સુનીલ તટકરેએ કહ્યું હતું કે ખડસે જો રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં આવવા માગતા હોય તો અમે એમનું સ્વાગત કરીશું. એમના અનુભવનો લાભ રાષ્ટ્રવાદી કોંગ્રેસને મળશે. ખડસેને મોટા સમુદાયનો ટેકો રહેલો છે. તેથી એ જે પક્ષમાં જશે એને ફાયદો થશે.
દરમિયાન, કોંગ્રેસના પ્રધાન નીતિન રાઉતે એવી ભવિષ્યવાણી કરી છે કે રાજ્ય વિધાનસભાના નાગપુરમાં મળનારા શિયાળુ સત્ર વખતે મોટો રાજકીય ભૂકંપ થશે. એ સત્ર ઐતિહાસિક સાબિત થશે.
રાઉતના આ નિવેદનને તટકરેએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે એવું બની શકે છે.
ખુદ ખડસેએ પણ કહ્યું છે કે નાગપુર સત્ર વખતે પોતે કોઈક મોટા નિર્ણયની જાહેરાત કરે એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પૂર્વેથી જ ખડસે ભાજપની વિરુદ્ધમાં અનેક વાર જાહેરમાં ઘસાતું બોલ્યા હતા. એને કારણે પક્ષે એમને ચૂંટણી વખતે મુક્તાઈનગર મતવિસ્તાર માટેની ટિકિટ આપી નહોતી. એમની બદલે એમની પુત્રી રોહિણી ખડસેને ટિકિટ આપી હતી, પરંતુ રોહિણીનો પરાજય થયો હતો.
રોહિણી ખડસેનો આ પરાજય ભાજપના આંતરિક વિખવાદ અને રાજકારણને કારણે થયો હોવાનો ખડસેએ આરોપ મૂક્યો છે. હવે ખડસેએ એવો આરોપ મૂક્યો હોવાનું કહેવાય છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની થયેલી હાર માટે દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર છે.
થોડાક દિવસો પહેલાં ખડસે દિલ્હી ગયા હતા અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે ચર્ચા કરી હતી. પરંતુ એમાં પણ એમના મનનું સમાધાન થયું નહોતું અને એ એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ પછી, મુંબઈમાં, ખડસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આમ, ખડસે ભાજપ છોડવા માગે છે એ પાકું થયું છે, પણ કોંગ્રેસ, એનસીપી, શિવસેનામાંથી કયા પક્ષમાં જશે એ હજી સ્પષ્ટ થયું નથી. સૌને એ જાણવાની ઉત્સૂક્તા છે.