મુંબઈ નજીકના પાલઘરમાં લાગ્યો 4.08ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો

મુંબઈ – શહેરની નજીકમાં આવેલા પાલઘર જિલ્લામાં આજે વહેલી સવારે 5.22 વાગ્યે ધરતીકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.08 હતી, એમ ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે.

પાલઘર જિલ્લાના પાલઘર શહેર ઉપરાંત દહાણૂ, તલાસરીમાં પણ ભૂકંપનો આંચકો લાગ્યો હતો.

સદનસીબે જાનહાનિ કે મિલકતને નુકસાનનો અહેવાલ નથી, પરંતુ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો એવું જાણવા મળ્યું છે.

જિલ્લાના મુખ્ય અધિકારી વિવેકાનંદ કદમે કહ્યું કે જિલ્લામાં આજે સવારે પાંચ વાગ્યાના સુમારે 4.8ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ગઈ કાલે પણ પાલઘરમાં ધરતીકંપનો એક હળવો આંચકો લાગ્યો હતો. પરંતુ આજે વહેલી સવારનો આંચકો એના કરતાં વધારે તીવ્રતાનો હતો. પાલઘર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં અનેક વાર ભૂકંપના આંચકા લાગી ચૂક્યા છે.

ગઈ કાલે સાંજે, ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગમાં પણ ભૂકંપનો આંચકો લાગ્યો હતો. ચમોલીમાં સાંજે 4.57 વાગ્યે અને રુદ્રપ્રયાગમાં સાંજે 5 વાગ્યે ભૂકંપનો આંચકો લાગ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ચમોલી પાસે હોવાનું માલૂમ પડ્યું હતું. ચમોલીમાંના આંચકાની તીવ્રતા 4.4 હતી તો રુદ્રપ્રયાગના આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ હતી.