ઉદ્ધવ ઠાકરે સરકારે ખાતાની ફાળવણી કરીઃ ગૃહપ્રધાન શિવસેનાનાં, નાણાંપ્રધાન રાષ્ટ્રવાદીનાં

મુંબઈ – શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા ‘મહાવિકાસ આઘાડી’ ગઠબંધને મહારાષ્ટ્રમાં રચેલી સંયુક્ત સરકારમાં ખાતાઓની વહેંચણીની આજે જાહેરાત કરવામાં આવી છે. આ સરકારની આગેવાની શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે લઈ રહ્યા છે.

શિવસેનાએ ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું છે જ્યારે નાણાં ખાતું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને આપ્યું છે તો કોંગ્રેસને ફાળે મહેસૂલ ખાતું આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરેની સાથે ત્રણેય પાર્ટીનાં મળીને કુલ 6 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. શિવસેનાનાં એકનાથ શિંદેને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

શિવસેનાના એકનાથ શિંદે ગૃહ ખાતું ઉપરાંત શહેરીવિકાસ, પર્યાવરણ તથા વન, પર્યાવરણ, પાણીપુરવઠા અને સ્વચ્છતા ખાતાંની જવાબદારી પણ સંભાળશે.

શિવસેનાનાં સુભાષ દેસાઈને ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા જયંત પાટીલ બન્યા છે રાજ્યના નવા નાણાં પ્રધાન. એમને આ ઉપરાંત આયોજન, હાઉસિંગ, અન્ન પુરવઠા તથા શ્રમ ખાતાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જ્યારે આ જ પાર્ટીના છગન ભુજબળને જળસંસાધન, સામાજિક ન્યાય, રાજ્ય એક્સાઈઝ તેમજ ગ્રામવિકાસ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાત બન્યા છે નવા મહેસૂલ પ્રધાન. એમને આ ઉપરાંત ઉર્જા, તબીબી શિક્ષણ, શાળાકીય શિક્ષણ ખાતા, પશુપાલન અને મત્સ્યોદ્યોગ ખાતાનાં પણ પ્રધાન બનાવાયા છે. કોંગ્રેસના જ નીતિન રાઉતને સાર્વજનિક બાંધકામ, મહિલા તથા બાળવિકાસ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

પ્રધાનોને ખાતાની ફાળવણીને આખરી ઓપ આપવા માટે એનસીપીના અજીત પવાર ગઈ કાલે સાંજે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. એ બેઠકમાં બાળાસાહેબ થોરાત પણ હાજર હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]