મુંબઈ – મરાઠા સમાજને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા બેઠકો અનામત આપવા માટેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરાવવા માટે શાસક ભાગીદારો – ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ જોરદાર કવાયત શરૂ કરી દીધી છે.
વિધાનસભાના શિયાળુ સત્રને હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમાં સહુએ હાજર રહેવું એ માટેનો વ્હીપ ભાજપ અને શિવસેનાએ પોતપોતાના વિધાનસભ્યોને વ્હીપ ઈસ્યૂ કર્યો છે.
બીજી બાજુ, ભાજપના નેતા અને રાજ્યના મહેસુલ પ્રધાન ચંદ્રકાંત પાટીલ આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અહીં બાન્દ્રાસ્થિત એમના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં જઈને મળ્યા હતા.
પાટીલ અને ઠાકરેની મુલાકાત બાદ શિવસેનાએ પણ પોતાના વિધાનસભ્યો જોગ વ્હીપ ઈસ્યૂ કર્યો હતો કે એમણે ત્રણેય દિવસ ગૃહમાં હાજર રહેવું.
વિધાનસભાની બેઠકમાં રાજ્ય પછાતવર્ગ પંચે રાજ્ય સરકારને મરાઠા અનામત મામલે આપેલો અહેવાલ રજૂ કરવામાં આવનાર છે. આ અહેવાલનો વિરોધ કરવાનું વિરોધ પક્ષોએ નક્કી કર્યું હોવાનું મનાય છે. તેથી આ ખરડો પાસ કરાવવામાં કોઈ વિઘ્ન ન નડે એટલા માટે ભાજપ અને શિવસેનાએ એમના વિધાનસભ્યોને ગૃહમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે.
મરાઠા સમાજ માટેના અનામતના મામલાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ ખરડો 29 નવેમ્બરના શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કરી છે.
પંચના અહેવાલે રજૂ કરવાના મામલે આજે શાસક અને વિપક્ષ વચ્ચે ભારે ચકમક ઝરી હતી અને એને કારણે વિધાનસભાના બંને ગૃહમાં ઉહાપોહ મચી ગયો હતો. આખરે વિધાનસભામાં આજના દિવસનું કામકાજ વહેલું સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે એમની સરકાર 52 ટકા અનામતની ટોચમર્યાદાને ખલેલ પહોંચાડ્યા વિના મરાઠા સમાજને સ્વતંત્ર સ્તરે અનામતનો લાભ આપશે.
વિધાનપરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડે (એનસીપી)એ કહ્યું હતું કે સરકાર પછાતવર્ગોના પંચનો અહેવાલ ગૃહમાં રજૂ કરતી નથી તેથી અમને એના ઈરાદા વિશે શંકા છે. સરકાર મરાઠા, ધનગર સમાજોને અનામતથી વંચિત રાખવા માગે છે. અહેવાલ ગૃહમાં રજૂ નહીં કરે ત્યાં સુધી અમે ગૃહમાં કાર્યવાહી ચાલવા દઈશું નહીં.