મુંબઈઃ રોકાણકારોમાં જાગૃતિ લાવવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર સિક્યુરિટી મેનેજમેન્ટ (NISM), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX), નેશનલ કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX), સેન્ટ્રલ ડિપોઝિટરી એન્ડ સિક્યુરિટીઝ લિ. (CDSL), નેશનલ સિકયોરિટટીઝ ડિપોઝીટરી લિ. (NSDL) અને એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) સહયોગમાં 43મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)માં “ભારત કા શેરબજાર” પેવેલિયનની સાતમી એડિશનનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટનું આયોજન ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) દ્વારા 14મીથી 27 નવેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યું હતું.
અહીં 14 દિવસના આ કાર્યક્રમમાં રોકાણકાર જાગૃતિ અને શિક્ષણના પ્રસાર હેતુ બજારના નિષ્ણાતો સાથેના ટોક શો સહિત, નાટિકાઓ અને હાસ્ય કાર્યક્રમો, વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ગેરકાયદે ચાલતી ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ અને ઓનલાઇન ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો સંબંધિત માહિતી આપી રોકાણકારોને સાવધ કરવામાં આવ્યા હતા. ટ્રેડ ફેરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સેબી પેવેલિયનને પબ્લિક કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કેટેગરી હેઠળ આઈટીપીઓના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખોસલાને હસ્તે સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો.