અંધેરી છે દેશનું સૌથી સ્વચ્છ ઉપનગરીય સ્ટેશનઃ સ્વચ્છ રેલવે સર્વેક્ષણ

મુંબઈ – ભારતીય રેલવે તંત્રએ કરાવેલા ‘સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત 2019’ સર્વેક્ષણમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને બાજી મારી છે.

ઉપનગરીય સ્ટેશનો માટેના સ્વચ્છતા રેન્કિંગ્સમાં ટોપ-10માં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનનાં છ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આમાં અંધેરી સ્ટેશન પહેલા નંબર પર છે. વિરાર સ્ટેશન બીજા નંબરે, નાયગાંવ ત્રીજા અને કાંદિવલી ચોથા નંબરે છે.

અંધેરી સ્ટેશન અત્યંત વ્યસ્ત રહેતું હોવા છતાં ત્યાં સ્વચ્છતાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે.

રેલવે મંત્રાલયના આ વાર્ષિક સર્વેક્ષણમાં આ પહેલી જ વાર ઉપનગરીય સ્ટેશનોને પણ આવરી લેવામાં આવ્યા છે.

ઉપનગરીય સ્ટેશનોની યાદીમાં ટોપ-10માં 9 સ્ટેશન મુંબઈના છે. એમાં 6 પશ્ચિમ રેલવેના અને 3 મધ્ય રેલવેના છે. મધ્ય રેલવેના 3માંનું એક છે ડોંબિવલી સ્ટેશન.

પાંચમા નંબરે હાવરાનું સંત્રાગાચી, 6ઠ્ઠા નંબરે મુંબઈની કરી રોડ, સાતમા નંબરે ડોંબિવલી, આઠમા નંબરે મધ્ય રેલવેનું કિંગ્સ સર્કલ, 9મા નંબરે પશ્ચિમ રેલવેનું બોરીવલી અને 10મા નંબરે પશ્ચિમ રેલવેનું સાંતાક્રુઝ સ્ટેશન છે.

દેશભરમાં 720 સ્ટેશનો ખાતે સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવા માટે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો.

નોન-સબર્બન સ્ટેશનોમાં ટોપ-10માં જયપુર નંબર-વન પર રહ્યું. રાજસ્થાનના સાત સ્ટેશનોએ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

રેલવે સ્ટેશનો પર સર્વેમાં ગુણવત્તા અને સાતત્યપણાનું મૂલ્યાંકન કરવા માટે રેલવે મંત્રાલયે 250 એસેસર્સને રોક્યા હતા.

સર્વેમાં કુલ 720 સ્ટેશનોમાં 109 ઉપનગરીય સ્ટેશનોનો સમાવેશ કરાયો હતો.

સ્વચ્છતા સર્વેક્ષણ માટે સ્ટેશન પરની સફાઈ ઉપરાંત સફાઈ માટેના નિયમિત નિરીક્ષણની વ્યવસ્થા, લીલોતરી માટે કરાયેલાં પ્રયાસો, સ્વચ્છતા જાળવવામાં પ્રવાસીઓના સહકાર વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી.

બાન્દ્રા સ્ટેશન સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણું પાછળ રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]