મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર સંચાલિત રેશનિંગની દુકાનોમાંથી હવે તહેવારો નિમિત્તે અનાજની સાથે મફતમાં સાડી પણ મળશે. રાજ્ય સરકારના વસ્ત્રોદ્યોગ વિભાગે આ વિશેનો નિર્ણય લીધો છે. નિશ્ચિત કરાયેલા તહેવારોમાં સાડીનું વિતરણ કરવામાં આવશે. વસ્ત્રોદ્યોગ વિભાગ તરફથી રેશનિંગ કાર્ડધારકને વર્ષમાં એક સાડી મફતમાં આપવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર તરફથી ગુડી પાડવા, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, ગૌરી-ગણપતિ અને દિવાળી તહેવારોમાં રાશનની દુકાનોમાંથી અનાજનું વિતરણ કરવામાં આવે છે. એમાં દાળ, તેલ, કઠોળનો પણ સમાવેશ થાય છે. હવે નિર્ધારિત કરેલા તહેવારોમાં દર વર્ષે એક સાડી પણ આપવામાં આવશે. અંત્યોદય રેશન કાર્ડ ધારકના કુટુંબને મફતમાં સાડી આપવાનો નિર્ણય લેવાયો છે. રેશનકાર્ડ ધારકોને 100 રૂપિયામાં 1 કિલો સાકર, 1 લીટર ખાદ્યતેલ, અડધો કિલો રવો, અડધો કિલો ચણાદાળ, અડધો કિલો મેંદો અને અડધો કિલો પૌઆ આપવામાં આવે છે.