મુંબઈ – મધ્ય રેલવે વિભાગ પર મુંબઈ નજીક આવેલા બદલાપુર (થાણે જિલ્લા) ખાતે 26 જુલાઈ, શુક્રવારે રાતે લગભગ 9 વાગ્યાથી ભારે વરસાદને કારણે નજીકની ઉલ્હાસ નદીમાં પૂર આવતાં બદલાપુર અને વાંગણી સ્ટેશનોની વચ્ચે પાટા પર પાણી ફરી વળ્યાં હતાં. એને કારણે બંને સ્ટેશનો વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ ગઈ હતી, જે મુંબઈથી કોલ્હાપુર જઈ રહી હતી.
ટ્રેન જ્યાં અટકી ગઈ હતી તે લોકેશન બદલાપુર સ્ટેશનથી લગભગ 4 કિલોમીટર દૂર હતું. ટ્રેનની બંને તરફ પાટા પર 3 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. ટ્રેનમાં એ વખતે 1,050 જેટલા લોકો હતાં. સ્થાનિક રહેવાસીઓ, નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF), ભારતીય હવાઈ દળ, ભારતીય લશ્કરના જવાનો, ભારતીય રેલવે, પોલીસ, ફાયર બ્રિગેડ, સ્થાનિક વહીવટીતંત્ર, એમ સૌએ સંગઠિત થઈને તમામ પ્રવાસીઓને શનિવારે સવારે સફળતાપૂર્વક ઉગારી લીધાં હતાં અને એમને રબરની હોડીઓમાં બેસાડીને નજીકના બદલાપુર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.
આ કામગીરી પાર પાડવા બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહુને અભિનંદન આપ્યા છે.
આ પ્રવાસીઓમાં ઘણા મોટી ઉંમરના સ્ત્રી-પુરુષો, અનેક બાળકો ઉપરાંત 9 ગર્ભવતી સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.
એ દિવસે બદલાપુરમાં 24 કલાકમાં 447 મિ.મી. વરસાદ પડ્યો હતો. પરિણામે બદલાપુર ઉપરાંત બાજુના વાંગણી નગર તેમજ અન્ય વિસ્તારો ડૂબાણ હેઠળ આવી ગયા હતા.
ઘણા પ્રવાસીઓએ બાદમાં એમની આપવીતી જણાવતા કહ્યું કે શુક્રવાર આખી રાત એમણે ટ્રેનમાં ખૂબ ડર અને ગભરાટ વચ્ચે વિતાવી હતી. એક દંપતીએ કહ્યું કે અમને લાગ્યું હતું કે અમે હવે કદાચ બચી નહીં શકીએ.
એનડીઆરએફના જવાનો પ્રવાસીઓને ટ્રેનમાંથી ઉતારી હોડીઓમાં બેસાડીને દોઢેક કિલોમીટર દૂર આવેલી એક ખુલ્લી, સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં એમને માટે ખાવા, પીવા અને તબીબી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રવાસીઓએ કહ્યું હતું કે આટલા લાંબા અંતરવાળી ટ્રેન હોવા છતાં એમાં પેન્ટ્રી કારની વ્યવસ્થા નથી. પરિણામે એમને રાતે 9 વાગ્યાથી કંઈ પણ ખાવા-પીવા મળી શક્યું નહોતું. અમે 12-13 કલાક સુધી ટ્રેનમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓ સૌથી પહેલાં અમારી મદદે આવ્યા હતા.
Happy to inform that all the passengers stranded in #MahalaxmiExpress have been evacuated safely.
Congratulations & Thank you to @NDRFHQ , Army, @indiannavy , Airforce, Police, Indian Railways, Local administration and entire team for this coordinated & great efforts! pic.twitter.com/31oN5c9aFa— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 27, 2019