કોંગ્રેસ, એનસીપીના 50 વિધાનસભ્યો ભાજપમાં જોડાવા ઈચ્છે છેઃ મહારાષ્ટ્રના પ્રધાનનો દાવો

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના જળસંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ઓછામાં ઓછા 50 વિધાનસભ્યો રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂર્વે શાસક ભાજપમાં જોડાવા માટે સંપર્કમાં છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષના ઓક્ટોબરમાં ચૂંટણી નિર્ધારિત છે.

છેલ્લા અમુક દિવસોમાં ટોચના અનેક નેતાઓ શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીને છોડી ગયાના બનાવ વચ્ચે મહાજને આ દાવો કર્યો છે.

મહાજનનું કહેવું છે કે, કોંગ્રેસ અને એનસીપીના 50 જેટલા વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. એનસીપીનાં સિનિયર નેતા ચિત્રા વાઘે એક મહિના અગાઉ ઈચ્છા દર્શાવી હતી કે એમને ભાજપમાં જોડાવું છે. એમણે એવું કહ્યું હતું કે એનસીપીમાં હવે એમને પોતાનું કોઈ ભવિષ્ય જણાતું નથી. હવે બીજા ઘણા વિધાનસભ્યોએ ભાજપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં એમને ભાજપમાં જોડાઈ જવું છે. આવતા બે અઠવાડિયામાં કોંગ્રેસ પાર્ટી ખખડી જશે અને એનસીપી સાવ નબળી પડી જશે.

એનસીપીના મુંબઈ એકમના પ્રમુખ સચીન અહિર ગયા અઠવાડિયે પાર્ટી છોડીને શિવસેનામાં જોડાઈ ગયા છે જ્યારે એનસીપીનાં મહિલા પાંખનાં પ્રમુખ ચિત્રા વાઘે રાજીનામું આપી દીધું છે. એવી જ રીતે, એનસીપીના વિધાનસભ્ય વૈભવ પિચડે પણ ભાજપમાં જોડાવાની જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી છે.

કોંગ્રેસ, એનસીપીમાંથી નેતાઓને ભાજપમાં પક્ષાંતર કરાવવા માટે ભાજપ એની સરકારી યંત્રણાઓનો દુરુપયોગ કરે છે એવા શરદ પવારના આક્ષેપોને મહાજને રદિયો આપ્યો છે.