એર ઈન્ડિયાના વિમાનમાં ઈકોનોમી ક્લાસમાં એક હરોળ મહિલાઓ માટે અનામત રખાશે

મુંબઈ – દેશની સરકાર હસ્તકની એરલાઈન, એર ઈન્ડિયાએ નવા વર્ષમાં મહિલા પ્રવાસીઓને ગિફ્ટ આપી છે. તેણે જાહેરાત કરી છે કે એર ઈન્ડિયાના વિમાનોમાં ઈકોનોમી ક્લાસમાં એક આખી હરોળ એવી મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે જેઓ એકલી અથવા નાનાં બાળકની સાથે પ્રવાસ કરતી હશે. આ માટે એરલાઈન એવી મહિલા પ્રવાસીઓ પાસેથી કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલ નહીં કરે.

જેઓ આપણને આ દુનિયામાં લાવી છે તે મહિલાઓ પ્રતિ આદર અને સમ્માન વ્યક્ત કરવા માટે એર ઈન્ડિયાએ આ મહત્વનો નિર્ણય લીધો છે. તેણે આ જાહેરાત એના ટ્વિટર હેન્ડલ પર કરી છે.

વિમાનમાં મહિલાઓ માટે એક આખી રો મહિલાઓ માટે અનામત રાખવાનો આવો નિર્ણય લેનાર એર ઈન્ડિયા પહેલી જ એરલાઈન બની છે.

એર ઈન્ડિયાએ કહ્યું છે કે આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતી મહિલાઓએ એમની ફ્લાઈટ ઉપડવાના દોઢ કલાક પહેલાં એરપોર્ટ પર એરલાઈનના કાઉન્ટર પર અથવા બુકિંગ અધિકારીનો સંપર્ક કરવો.

એર ઈન્ડિયાની આ સુવિધા માત્ર દેશમાંની (ઘરેલુ) ફ્લાઈટ્સ માટે જ છે.