‘મહાભારતના સભાપર્વ’ વિશે કાંદિવલીમાં શનિવારે યોજાશે અનોખું વ્યાખ્યાન

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ)સ્થિત કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને કળા-સાહિત્ય, સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત સંસ્થા ‘સંવિત્તિ’ના સંયુક્ત ઉપક્રમે ‘મહાભારતનું બીજું પર્વ – સભાપર્વ’ વિશે એક વ્યાખ્યાનનું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું છે. જેના વક્તા છે મહાભારત-ગીતાના પ્રખર અભ્યાસી, વિચારક-ચિંતક ડો. સુનિલ શાસ્ત્રી.

જ્યેષ્ઠ પાંડવબંધુ યુધિષ્ઠિરની રાજસૂય યજ્ઞની કલ્પના, નારદમુનિ સાથેનો સંવાદ, જરાસંઘ અને શિશુપાલનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ, દ્યૂત (જૂગટું) કયા સંજોગોમાં રમાયું હતું અને દ્રૌપદીનું ચીરહરણ વગેરે સમાન વિચારપ્રેરક મુદ્દા આ વ્યાખ્યાનમાં આવરી લેવાશે.

સભા એટલે શું? મહાભારતના કાળમાં સભાઓ કેવી રીતે રચાતી હતી? યુધિષ્ઠિરની સભામાં વૈશિષ્ઠ્ય કયું હતું? આ સભા બન્યા પછી યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞાની કલ્પના કઈ રીતે કરી હતી? નારદ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ કેવો હતો? જરાસંઘ અને શિશુપાલ, આ બંને રાજાઓનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ કયા પ્રકારનો હતો? દ્યૂત કયા સંજોગોમાં રમાયું હતું અને દ્રૌપદીનાં ચીર હરાયાં, વગેરે પ્રસંગોની સૂક્ષ્મ માહિતીને આ વ્યાખ્યાનમાં સમાવી લેવાશે.

આ વિષયની ગહનતા અને વિશાળતાને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યાનને બે અંકમાં પ્રસ્તુત કરવામાં આવશે. પ્રથમ દોઢ કલાક પછી વીસ મિનિટનો ચા-નાસ્તાનો વિરામ આપવામાં આવશે તે પછી અંક-બીજો એક કલાકનો રહેશે.

કાર્યક્રમનો દિવસ અને સમય: શનિવાર તા. 22/07/2023, સાંજે 5.00 (સમયસર)થી 8.00.

સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ, ભોંયતળિયે, ઈરાનીવાડી નં.3, એશિયન બેકરીની સામેની ગલીનાં બીજા છેડે, કાંદિવલી- પશ્ચિમ.