મુંબઈઃ 38 વર્ષના એક ડોક્ટરનું અપહરણ કરી એની પાસેથી રૂ. 30 લાખની ખંડણી માગનાર પાંચ શખ્સની પડોશના થાણે જિલ્લાની પોલીસે ધરપકડ કરી છે. અપહરણનો બનાવ ગયા વર્ષે બન્યો હતો. 2022ની 22 ઓક્ટોબરે ડોક્ટર એમના સ્કૂટર પર જતા હતા ત્યારે એક શખ્સે રસ્તામાં એમની પાસે લિફ્ટ માગી હતી. ડોક્ટરે એને પાછળ બેસાડ્યો હતો. થોડેક દૂર ગયા બાદ રસ્તામાં તે શખ્સના બીજા સાથીઓ સામે આવ્યા હતા. એમણે સ્કૂટર અટકાવી, ડોક્ટરની આંખો પર પાટો બાંધી દીધો હતો. આરોપીઓએ ત્યારબાદ એમને જબરદસ્તીથી એક કારમાં બેસાડ્યા હતા અને કાર મુરબાડ વિસ્તારના એક જંગલમાં લઈ ગયા હતા.
ત્યારબાદ આરોપીઓએ ડોક્ટરની પત્નીને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે એમની મુક્તિના બદલામાં રૂ. 30 લાખ આપવાની માગણી કરી હતી. ડોક્ટરની પત્નીએ પૈસાની વ્યવસ્થા કરી આરોપીઓને ચૂકવી દીધા બાદ ડોક્ટરને છોડી મૂકવામાં આવ્યા હતા. ડોક્ટરે તે ઘટનાના 25 દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક તપાસ ટૂકડીની રચના કરી હતી. અનેક મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ પોલીસો આરોપીઓ સુધી પહોંચી શક્યા હતા અને ગઈ કાલે એમની ધરપકડ કરી હતી. આરોપીઓને એક સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામને 26 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. પોલીસે હવે આરોપીઓ તેમજ આ ગુના પાછળ એમના ઈરાદા વિશે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે.