મુંબઈઃ મહારાષ્ટ્રમાં ધોરણ 10 (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યું હતું. પુણે શહેરમાં રહેતા 43 વર્ષના એક પુરુષ અને એના પુત્ર, બંનેએ સાથે પરીક્ષા આપી હતી. પરંતુ પિતા પાસ થઈ ગયા છે, અને પુત્ર નાપાસ થયો છે. આમ, પરિવારમાં મિશ્ર લાગણી ફેલાઈ છે.
43 વર્ષના ભાસ્કર વાઘમારેને વર્ષો પહેલાં 7મા ધોરણ બાદ ભણવાનું છોડી દેવું પડ્યું હતું અને એમના પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી કરવાની ફરજ પડી હતી. તેમ છતાં એ ભણવાનું આગળ વધારવા બહુ ઉત્સૂક હતા. 30 વર્ષના સમયગાળા બાદ, આ વર્ષે એ પરીક્ષા આપવા હાજર થયા. યોગાનુયોગ, એમના પુત્ર સાહિલનું પણ આ એસએસસીનું વર્ષ હતું. તેથી બંનેએ સાથે જ પરીક્ષા આપી હતી.
વાઘમારે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એમણે કહ્યું કે પોતે કામ પરથી પાછા ફર્યા બાદ ઘરમાં દરરોજ ભણતા હતા અને પરીક્ષાની તૈયારી કરતા હતા. પોતે એસએસસી પરીક્ષામાં પાસ થયા એનો તેમને આનંદ થયો છે, પરંતુ પુત્ર સાહિલ બે વિષયમાં નાપાસ થયો એનું દુઃખ થયું છે. હવે દીકરો સપ્લીમેન્ટરી પરીક્ષા આપવાનો છે અને એમાં તે પાસ થઈ જશે એવો વાઘમારેને વિશ્વાસ છે. સાહિલે પણ કહ્યું કે એના પિતા પાસ થઈ ગયા એનો તેને આનંદ થયો છે, પરંતુ પોતે પ્રયાસ છોડશે નહીં અને બે વિષયની પરીક્ષા ફરી આપીને એમાં પાસ થઈને બતાવશે.
