મુંબઈઃ અહીંના બાન્દ્રા-વરલી સી લિન્ક બ્રિજ પર મોટરસાઈકલ પર સવાર થયેલી 26 વર્ષની એક યુવતીની પોલીસે ધરપકડ કરી હતી. વરલી સી લિન્ક પર ટુ-વ્હીલર્સ માટે નો-એન્ટ્રી છે. વળી, તે મહિલાએ હેલ્મેટ પણ પહેરી નહોતી. તે મહિલાનું નામ નુપૂર પટેલ છે અને તે મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી છે. તે પુણે શહેરમાં રહેતા એનાં ભાઈને મળવા ગઈ હતી. એને વરલી સી લિન્ક જોવાની ઈચ્છા થઈ હતી અને તે એનાં ભાઈની બુલેટ મોટરસાઈકલ લઈને મુંબઈ આવી હતી. પોલીસોએ જ્યારે એને રાતના સમયે અટકાવીને એની પાસે લાઈસન્સ માગ્યું ત્યારે એણે પોલીસ સામે પિસ્તોલ જેવા દેખાવનું સિગારેટ લાઈટર તાંક્યું હતું. એને કારણે મામલો વધારે ગંભીર બની ગયો હતો.
વરલી સી લિન્ક પર ટુ-વ્હીલર્સ ચલાવવાની મનાઈ હોવાની તે મહિલાને જાણકારી નહોતી. પરંતુ તેણે સી લિન્કના પ્રવેશદ્વાર પર જ મૂકવામાં આવેલા સાઈનબોર્ડની પણ અવગણના કરી હતી. એને રોકવાનો પ્રયાસ કરનાર બે પોલીસ જવાનને થાપ આપીને આગળ વધી ગઈ હતી. ત્યારબાદ એ પોલીસોએ ટ્રાફિક કન્ટ્રોલ અને મેન કન્ટ્રોલ રૂમને સતર્ક કર્યા હતા. બ્રિજના એક્ઝિટ સ્થળે પોલીસો ઊભા જ હતા અને યુવતીને પકડી લીધી હતી. ત્યાં પોલીસ જવાનોએ લાઈસન્સ અને બાઈકના દસ્તાવેજો માગ્યા ત્યારે મહિલાએ સહકાર આપ્યો નહોતો. પોલીસોએ જ્યારે એને પોલીસ સ્ટેશને આવવા કહ્યું ત્યારે મહિલાએ પિસ્તોલ જેવા આકારનું સિગારેટ લાઈટર તાંક્યું હતું અને એવું બોલી હતી કે એ શૂટ કરી શકે છે. પોલીસોએ તેનું લાઈટર અને બાઈક જપ્ત કરી લીધું હતું અને મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાંથી પોલીસોએ મહિલાનાં ભાઈને જાણ કરી હતી.
મહિલા સામે પોલીસે ઈન્ડિયન પીનલ કોડ અને મોટર વેહિકલ્સ એક્ટની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમ કે, સરકારી કર્મચારીને એની ફરજ બજાવતા રોકવા હુમલો કરવો કે ક્રિમિનલ બળનો ઉપયોગ કરવો, સરકારી કર્મચારીને એની ફરજ બજાવવામાં અડચણ ઊભી કરવી, બેફામપણે વાહન હંકારવું, પોતાનો તથા અન્યોનો જાન જોખમમાં મૂકવો, હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારવું – જેવા ગુનાનો સમાવેશ થાય છે.