સચિન તેંડુલકરના ડીપફેક વીડિયો પર મુંબઈ પોલીસે નોંધી FIR

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર થોડા દિવસો પહેલા ડીપ ફેકનો શિકાર બન્યો હતો. તેણે આ અંગે બધાને એલર્ટ કર્યા હતા. સચિને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી તે વીડિયો શેર કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે. જો કે હવે મુંબઈ પોલીસે આ અંગે મોટી કાર્યવાહી કરી છે. સચિન તેંડુલકરના પીએ રમેશ પારડેએ આ અંગે સાયબર પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી.આપને જણાવી દઈએ કે આઈપીસીની કલમ 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તે એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સચિને કહ્યું હતું કે વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી નકલી વીડિયો બનાવવામાં આવ્યો છે.

FIR બાદ આ ગેમને પ્રમોટ કરનારી કંપની મુંબઈ પોલીસના ચુંગાલમાં ફસાઈ શકે છે. થોડા દિવસો પહેલા સચિનની પુત્રી સારા તેંડુલકર પણ ડીપ ફેકનો શિકાર બની હતી. AI જનરેટેડ ફોટોમાં તે શુભમન ગિલ સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 હજારથી વધુ રન બનાવ્યા છે. તેના નામે કુલ 34357 રન છે. તેની સદીઓની વાત કરીએ તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. આ કિસ્સામાં તેની નજીક ક્યાંય કોઈ ખેલાડી નથી.