મુંબઈ: ‘ઝરૂખો’ કાર્યક્રમમાં કવિ ઉદયન ઠક્કરની વિશેષ પ્રસ્તુતિ

મુંબઈ: બોરીવલીમાં અવાર નવાર ‘ઝરૂખો’ નામે કાર્યક્રમનું આયોજન થતું હોય છે.જેમાં વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આગામી રવિવારે ‘ઝરૂખો ‘માં કવિ ઉદયન ઠક્કર પોતાના નવા કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો ‘ ની રચનાઓનું પઠન કરશે.

ગઝલ,ગીત,દુહા હોય કે અછાંદસ, કવિ ઉદયન ઠક્કરના પોતાના આગવા હસ્તાક્ષર છે. કવિ ઉદયન ઠક્કર પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાવન’ માટે મળેલા જયંત પાઠક પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉશનસ્ પારિતોષિક અને રા.વિ. પાઠક પારિતોષિક, કલાપી એવોર્ડ, રમેશ પારેખ સન્માન, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, NCERT રાષ્ટ્રીય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો જીવન ગૌરવ પુરસ્કાર, પ્રિયદર્શિની સાહિત્ય એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. વરિષ્ઠ કવિ ઉદયન ઠક્કર શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં ‘રાવણહથ્થો’ કાવ્યસંગ્રહની રચનાઓ રજૂ કરશે તથા શ્રોતાઓ સાથે ગોષ્ઠિ પણ કરશે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ 12 મે રવિવારે સાંજે 7.20 વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટમાં યોજાનાર છે. સાહિત્યરસિકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર નિમંત્રણ છે. કવિ ઉદયન ઠક્કરનાં સાહિત્યનાં વીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે તથા એમનાં કાવ્યોનાં અંગ્રેજી અને જાપાનીઝ અનુવાદનાં પુસ્તકો પણ પ્રગટ થયાં છે.