મુંબઈ:’ઝરૂખો’માં ભાવકો પોતાને ગમતાં પુસ્તક વિશે કરશે વાત

મુંબઈમાં ઝરૂખો નામે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે.’ઝરૂખો ‘ની સાહિત્યિક સાંજ સાથે અનેક ભાવકો વર્ષોથી જોડાયેલા છે. તેઓ ઉત્તમ શ્રોતા તો છે પણ ક્યારેય વક્તા તરીકે આ મંચ પર આવ્યા નથી. આ ભાવકો માટે જુલાઈનો પ્રથમ શનિવાર યાદગાર બની રહેશે.


5 જુલાઈ, શનિવારની સાંજે આયોજીત કાર્યક્રમમાં છ ભાવકો પોતાને ગમતા ( ગુજરાતી કે અન્ય ભાષાના) પુસ્તક વિશે વાત કરશે. સંવિત્તિ તથા કેઈએસ ભાષાભવન સાથે સંકળાયેલા કીર્તિ શાહ ‘લેખકો વાચકો સાથે ગોષ્ઠી ‘ ( લેખક: રમણ સોની) વિશે વાત કરશે.

યુવાન શિક્ષિકા તથા સાહિત્યનાં અભ્યાસી જાસ્મીન શાહ આવાબાઈ લીમજીભાઈ પાલમકોટની આત્મકથા ‘આવાબાઈ’ વિશે વક્તવ્ય આપશે. પારિવારિક બિઝનેસના કન્સલટન્ટ અને સાહિત્ય પ્રેમી મીતા દીક્ષિત પુ.લ.દેશપાંડેના પુસ્તક ‘ભાત ભાત કે લોગ ‘ વિશે વાત કરશે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ શકુંતલા મહેતાએ કર્યો છે.

સાહિત્યપ્રેમી સ્મિતા શુક્લ વિનેશ અંતાણીની ‘પ્રિયજન’ નવલકથામાં વણાયેલા પ્રણયના નાજુક તાણાવાણા ઉકેલી આપશે. હરમન હેસના જાણીતા પુસ્તક ‘સિદ્ધાર્ ‘ વિશે વિવિધ સામાયિકોમાં લેખ લખતા સાહિત્યપ્રેમી પ્રકાશ સંઘવી વાત કરશે.પ્રગતિ મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ અને અન્ય બે સેવાભાવી સંસ્થાઓમાં સક્રિય એવા સાહિત્યપ્રેમી વસંત શાહ ‘ભારેલો અગ્ન ‘ ( લેખક: ર.વ.દેસાઈ) વિશેની પોતાને ગમતી વાતોનો ગુલાલ ઉડાડશે.

આ બધા જ વક્તવ્યને સાંકળવાનું સંચાલન કર્મ જાણીતાં લેખિકા નીલા સંઘવી સંભાળશે. કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યાનું છે.આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે યોજાશે. જેમાં ઈચ્છુક દરેક સાહિત્યરસિકો સામેલ થઈ શકે છે.