મુંબઈ: દેશમાં પાછા ફર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમે મુંબઇના મરીન ડ્રાઇવ પર ઓપન બસ પર વિજય પરેડ કરી હતી. ટી 20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 4 જુલાઈના રોજ બાર્બાડોસથી ભારત પરત ફર્યા હતાં. તે જ દિવસે મુંબઇમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય પરેડ ચાહકો માટે ખૂબ જ જોવાલાયક હતી, પરંતુ આ પરેડે મુંબઇને મોટો આંચકો આપ્યો. હકીકતે, આ પરેડ પછી મરીન ડ્રાઈવ પર ગંદકીનો ગંજ જોવા મળ્યો. મરીન ડ્રાઈવ પર 11,000 કિલો કચરો દૂર કરવામાં આવ્યો.
બીએમસી (Brihanmumbai Municipal Corporation)એ વિજય પરેડ પછી આખી રાત મરીન ડ્રાઇવ સાફ કરી. એક અહેવાલમાં જણાવાયું કે સ્વચ્છતા દરમિયાન 11,000 કિલો કચરો કાઢવામાં આવ્યો. લગભગ 100 કર્મચારીઓ આ સ્વચ્છતામાં રોકાયેલા હતા. વિજય પરેડ નરીમાન પોઇન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી શરૂ થઈ હતી. પરેડ જોવા માટે લાખો ચાહકોની ભીડ ઉમટી હતી. આ પરેડ પછી ઘણા લોકો રસ્તા પર જોવા મળ્યા હતાં. આ સિવાય પાણીની બોટલો કચરાના સ્વરૂપમાં મળી આવી હતી. આ સફાઈ માટે આખી રાત લાગી હતી. એકત્રિત કચરો 2 મોટા ડમ્પર અને 5 જીપોમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો.
બીએમસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે “ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 માં વિજય પછી ભારતીય ક્રિકેટ ટીમને આવકારવા માટે મોડી રાત સુધી મુંબઇની મરીન ડ્રાઇવ પર ક્રિકેટ ચાહકોની ભીડ જામી હતી.”
તેમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “ભવ્ય સ્વાગત પછી અને એકવાર ભીડ ગાયબ થઈ ગયા પછી BMCએ સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારમાં એક ખાસ રાતોરાત સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી અને મરીન ડ્રાઈવ પર ચાલવા આવતાં મુંબઈકર્સને ગંદકીનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણપણે સફાઈ હાથ ધરવામાં આવી હતી.
BMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સ્વચ્છતા અભિયાન દરમિયાન બે મોટા ડમ્પરો અને પાંચ નાની જીપોમાં ભરીને કચરો ભેગો કર્યો હતો.