પ્રયાગરાજ: મુકેશ અંબાણીએ તેમના માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રિલાયન્સ ગ્રુપના વડા એવા મુકેશ અંબાણીએ માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે તેમના સાસુ પૂર્ણિમાબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા.અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમસ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી. તે પછી, મુકેશ અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે. આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે.
‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે અન્ન સેવા, વ્યાપક આરોગ્ય સુવિધાઓ, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)