ગાંધીનગર: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર માટે એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે. આ સેન્ટરએ નેપાળના પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશન હેઠળના બિઝનેસ પ્રમોશન સેન્ટરની સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહકાર સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરની કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્ટેકહૉલ્ડર સાથેની સૌપ્રથમ પાર્ટનર્શિપ છે. નવીનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને ઇન્ક્યુબેશનમાં સરહદપાર સહકાર સાધવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.સ્વર્ણિમ ઇન્કયુબેશન સેન્ટર ખાતેના ઇન્ક્યુબેશન મેનેજર જિતેન ઠક્કર અને નેપાળના પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર શિવરાજ ચૌલાગાઈ દ્વારા આ એમ.ઓ.યુ.ને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ધનરાજ આચાર્યની હાજરીમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવાનો સમારંભ યોજાયો હતો.આ સહયોગ સાધવા પાછળનો વિચાર ખાસ કરીને એવા ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે, જે પ્રવાસનને આગળ વધારવામાં નેપાળના પોખરાને મદદરૂપ થાય. તેના સિવાય, ટેકનોલોજી, કૃષિ અને આરોગ્યના ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરની કુશળતા આઇડિયાથી માંડીને પ્રોટોટાઇપ તૈયાર કરવા સુધી સ્ટાર્ટઅપ્સને વિકસાવવામાં રહેલી છે. આ રીતે આ બંને સંસ્થાઓ ભેગા મળીને નવા સ્ટાર્ટઅપ્સને વિકસાવશે અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની માનસિકતા પણ કેળવશે.
આ સહભાગીદારી બંને પ્રદેશોમાં સ્ટાર્ટઅપ્સ અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી તકોને ઉજાગર કરશે. આ સહયોગના ભાગરૂપે બંને સંગઠનો સંયુક્ત વર્કશૉપ્સ હૉસ્ટ કરશે, ઇન્ક્યુબેશન પ્રોગ્રામો અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરશે. જેથી કરીને ભારત અને નેપાળમાં ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોને સપોર્ટ પૂરો પાડી શકાય. વધુમાં બંને પક્ષો ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપવા તથા વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે મદદરૂપ થવા જ્ઞાન અને સંસાધનોના આદાન-પ્રદાન પર સહયોગ સાધશે.આ સહયોગ અંગે વાત કરતાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ ઋષભ જૈનએ જણાવ્યું, “સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે અમે ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોને સંસાધનો, માર્ગદર્શન અને પ્રગતિ સાધવા માટે જરૂરી આંતરમાળખું પૂરું પાડીને તેમનું સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છીએ. નેપાળના બિઝનેસ પ્રમોશન સેન્ટર સાથેની આ સહભાગીદારી ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એક મહત્ત્વના સ્ટેકહોલ્ડર તરીકેની અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.”