15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર આજથી એટલે કે, 8 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર કુલ 5 નવા બિલ રજૂ કરશે. આ બિલમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વિધાનસભા સત્રની સંભવિત કામગીરી અંગે અગાઉ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજનો મુખ્ય ભાગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે કુલ 5 નવા વિધેયક રજૂ કરીને તેના પર ચર્ચા કરવામાં આવશે.
આ સત્રમાં નીચેના પાંચ વિધેયકો રજૂ કરાશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ: ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’
નાણા વિભાગ: ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’
ઉદ્યોગ અને ખાણ વિભાગ: ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’


