નવી દિલ્હીઃ કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ચારેય બેઠકો પર NDAએ જીતનો ઝંડો લહેરાવ્યો છે. ત્રણ બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે એક બેઠક પર તેની સહયોગી પાર્ટી JDSને વિજય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશનાં ચાર રાજ્યોની 28 બેઠકો પર બેલેટ પેપર દ્વારા મતદાન થયું હતું.
કોંગ્રેસને મોટો આંચકો આપતાં ભાજપ-જેડી(એસ) ગઠબંધનના ઉમેદવાર એપી રંગનાથે બેંગલુરુ શિક્ષક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન એમએલસી પુત્તન્નાને હરાવ્યા છે. બેંગલુરુ શિક્ષક બેઠક પર આ વખતે 81.98 ટકા મતદાન થયું હતું. બેંગલુરુની આ બેઠક પરનો મુકાબલો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલાં પુત્તન્ના JDS છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પુત્તન્ના અને રંગનાથ બંને વોક્કાલિગા સમુદાયના છે.
NDAના ઉમેદવાર શશિલ જી. નામોશીએ કર્ણાટક વિધાન પરિષદની ઉત્તર-પૂર્વ શિક્ષક બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શરણપ્પા મટ્ટુરને હરાવ્યા છે. વિપક્ષના નેતા આર. અશોકે કહ્યું હતું કે આ પરિણામ કોંગ્રેસ સરકાર માટે વધુ એક સ્પષ્ટ ચેતવણી છે. તેમના જણાવ્યાનુસાર વહીવટી નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને જનવિરોધી નીતિઓને કારણે રાજ્યની કોંગ્રેસ સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. તેમણે કહ્યું કે આ જીત કોંગ્રેસ સરકારના ખોટા શાસન સામે મતદારોએ આપેલો જવાબ છે.
ભાજપના નેતા અશોક ગૌડાએ મિડિયાને જણાવ્યું હતું કે આ NDAની સફળતા છે અને કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલી તમામ વાતોનો પર્દાફાશ થયો છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કર્ણાટક વિધાન પરિષદની ચાર બેઠકો પર સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષી ભાજપ-જેડીએસ ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો હતો. રાજ્યમાં જે ચાર બેઠકો માટે મતદાન થયું હતું તેમાં દક્ષિણ-પૂર્વ સ્નાતક, પશ્ચિમ સ્નાતક, ઉત્તર-પૂર્વ શિક્ષક અને બેંગલુરુ શિક્ષક મતવિસ્તારનો સમાવેશ થાય છે.
Karnataka MLC Elections Result:
BJP (NDA): 3
JDS (NDA): 1
Congress: 0The election was conducted through ballot paper.
Karnataka is governed by the Congress.
#ModiKahinNahiJayega
Kharge Ji 😉😎 https://t.co/c9f5Vk5JXV
— Saikumar Mittapelly (@SaiMittapelly) October 28, 2026
ચારેય બેઠકો પર કુલ 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપે પ્રથમ ત્રણ મતવિસ્તારમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે તેની સહયોગી પાર્ટી JDS બેંગલુરુ શિક્ષક મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.






