કોઈકવાર રાતના વધેલા ભાતમાંથી સરસ મજાના સ્વાદિષ્ટ ઢોકળા બનાવી શકાય છે.
સામગ્રીઃ રાતના વધેલા ભાત 2 કપ, દહીં 1 કપ, ચણાનો લોટ 1 કપ, રવો ½ કપ, સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, ઈનો પાઉડર 2 ચમચી
રીતઃ ભાતને મિક્સીમાં ઉમેરીને તેમાં દહીં તેમજ ચણાનો લોટ નાખીને થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરો. આ ખીરું એક મોટા બાઉલ અથવા તપેલીમાં લઈને તેમાં રવો, આદુ-મરચાંની પેસ્ટ, હીંગ, સ્વાદ મુજબ મીઠું મેળવીને 20 મિનિટ માટે ઢાંકીને મૂકો.
એક થાળી તેલવાળી કરી લો.
ત્યારબાદ ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો મૂકીને 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઈ જાય એટલે મિશ્રણમાંથી 4 કડછી જેટલું મિશ્રણ એક બાઉલમાં લઈ તેમાં 1 ચમચી જેટલો ઈનો પાઉડર મિક્સ કરી કળછી વડે સરખું અડધી મિનિટ હલાવીને તેલ લગાડેલી થાળીમાં લગાડી લો.
આ થાળી ગરમ પાણીવાળા વાસણમાં કાંઠા ઉપર મૂકીને વાસણ ઢાંકીને 15-20 મિનિટ માટે બફાવા દો. ત્યારબાદ ચપ્પૂ વડે ચેક કરી લેવું. ચપ્પૂ ચોખ્ખું નીકળે એટલે ગેસ બંધ કરીને થાળી બહાર કાઢી લો. થાળી થોડી ઠંડી થાય એટલે ચપ્પૂ વડે ઢોકળાના પીસ કરી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ વઘારી લીધા બાદ તલનો વઘાર કરીને ઢોકળા તેમાં નાખીને તેની ઉપર હળદર તેમજ મરચાંનો પાઉડર નાખીને મિક્સ કરી લીધા બાદ સમારેલી કોથમીર ભભરાવીને ભાતના ઢોકળા લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.







