વન નેશન, વન ઈલેક્શનને લઈને યોજાઈ મહત્વની બેઠક

દેશમાં ‘વન નેશન વન ઈલેક્શન’ અંગે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની બીજી બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ ઉપરાંત કાયદા પંચના અધ્યક્ષ રિતુ રાજ અવસ્થી હાજર રહ્યા હતા.આ દરમિયાન કાયદા પંચ દ્વારા સંપૂર્ણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં કાયદા પંચે માહિતી આપી છે કે જો દેશમાં વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવું હોય તો તેના માટે કાયદા અને બંધારણમાં શું સુધારા કરવા પડશે.

‘2024ની ચૂંટણીમાં શક્ય નથી’

સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચે સમિતિને કહ્યું કે હાલમાં 2024ની ચૂંટણીમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવું શક્ય નથી, પરંતુ તેને 2029માં લાગુ કરી શકાય છે. તે પહેલા બંધારણમાં સુધારો કરવો પડશે. આ વખતે સમિતિએ કાયદા પંચના અધ્યક્ષને પણ તેની બીજી બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સમિતિ એ જાણવા માંગે છે કે દેશમાં એક સાથે ચૂંટણી કેવી રીતે કરાવી શકાય. તેથી, કાયદા પંચને તેના સૂચનો અને મંતવ્યો જાણવા માટે બોલાવવામાં આવ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી

શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર કેવી રીતે કામ કરવું તે નક્કી કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને ખાસ આમંત્રિત તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ સી. કશ્યપ, ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ સીવીસી સંજય કોઠારીને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આ પછી અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ સમિતિમાં જોડાશે નહીં.