રશિયામાં વિમાન દુર્ઘટના, 10 લોકોના મોત; પુતિન સામે બળવો કરનાર વેગનર ચીફનું પણ મોત થયાનો દાવો

રશિયામાં પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. વિમાન રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વેગનર ચીફ પ્રિગોગિન પણ ત્યાં હતા. અકસ્માતમાં તેમનું પણ મોત થયું હોવાની આશંકા છે. રશિયાના ઉત્તરમાં ખાનગી જેટ ક્રેશને કારણે દસ લોકોના મોત થયા છે. એક સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનારા વેગનર નેતા યેવજેની પ્રિગોઝિનનું નામ પણ પેસેન્જર લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર યેવજેની પ્રિગોઝિનના મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

આ અકસ્માત મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, જે વિમાન ક્રેશ થયું તે પ્રિગોઝિનનું હતું. વેગનરની ખાનગી સેનાના વડા પ્રિગોઝિને જૂનમાં રશિયન સશસ્ત્ર દળો સામે અસફળ બળવો કર્યો હતો. પ્રિગોઝિને રશિયન સંરક્ષણ મંત્રાલય પર વેગનર કેમ્પ પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ મૂકતા તેના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. વેગનર સૈનિકોએ ત્યારબાદ દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોનમાં લશ્કરી સુવિધા પર કબજો કર્યો. જો કે, બાદમાં યેવજેની પ્રિગોઝિને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો જેના પછી આ સંકટ ટળી ગયું હતું.